પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોત્સાર્ટ
૩૩
 


જોડીને હું તારે પગે પડું છું કે આર્ચબિશપ અંગે તું કોઈ મજાકમશ્કરી કાગળમાં મને લખીશ નહિ, કારણ કે તારા કાગળ જો ભૂલેચૂકે ખોટા હાથમાં ચડી જશે તો આપણા માથે આસમાન તૂટી પડશે.” પણ મોત્સાર્ટ તો એકદમ મોજિલા મિજાજમાં હતો. એણે 1777ની 26 સપ્ટેમ્બરે પિતાને લખ્યું : “હું હંમેશની માફક એકદમ ખુશમિજાજ છું. સાલ્ઝબર્ગના કાવતરાખોરોથી મુક્ત થઈ મારું હૃદય તો જાણે પવનવેગે ઊડે છે !” લિયોપોલ્ડે સામો બીજો પત્ર લખ્યો : “તું માત્ર સંગીતમાં જ ગળાડૂબ રહે એ નહિ ચાલે. દુનિયાદારીનું ભાન તને હોવું જોઈએ.” મોત્સાર્ટની આ નવમી યાત્રા દોઢ વર્ષે પૂરી થઈ અને તે ‘ધ ગ્રાન્ડ ટૂર’ નામે જાણીતી બની. મ્યુનિખ, ઑગ્સ્બર્ગ અને મેન્હીમમાં થોડો થોડો સમય ગાળ્યો. ઑગ્સ્બર્ગમાં મોત્સાર્ટ બેઝલ નામની છોકરી તરફ આકર્ષાયો. બેઝલ તો એનું લાડકું નામ હતું. એ મોત્સાર્ટના બુકબાઇન્ડર કાકાની છોકરી હતી; અને મહાફ્‌લર્ટ હતી. એનું આખું નામ હતું : મારિયા આના ઠેકલા મોત્સાર્ટ. મોત્સાર્ટે એને અત્યંત કઢંગા, ગંદા અને અશ્લીલ પત્રો લખ્યા. દાખલા તરીકે : ‘Oh you cock, lick my arse.’ મોત્સાર્ટે પિતાને કાગળમાં લખ્યું: “બેઝલ રૂપાળી અને હસમુખી છે; ચાલાક, ચબરાક ને હોશિયાર છે. અમે બંને ભેગાં મળીને બધાંની ઠઠ્ઠામશ્કરી કરીએ છીએ.” (17 એપ્રિલ, 1777) એ કારણે મોત્સાર્ટના ચાહકો અને અભ્યાસીઓ આજે પણ ભોંઠપ અનુભવે છે અને સ્તબ્ધ થઈ જાય છે.

ઑગ્સ્બર્ગમાં 1777ની બાવીસમી ઑક્ટોબરે મોત્સાર્ટનો જલસો ગોઠવાયો. લિયોપોલ્ડે સાલ્ઝબર્ગથી પત્ર લખીને આપેલી સૂચના માથે ચડાવીને મોત્સાર્ટે આ પ્રસંગે ગોલ્ડન સ્પર ખિતાબનો સોનાનો ચંદ્રક છાતી પર લટકાવ્યો. પણ ઑગ્સ્બર્ગના મેયરના દીકરાએ એ ચંદ્રકની ઠેકડી ઉડાવતાં મોત્સાર્ટને ખૂબ લાગી આવ્યું. પછી માતાને લઈને મોત્સાર્ટ મ્યુનિખ પહોંચ્યો. પણ મ્યુનિખના રાજા ઈલેક્ટર મેક્સિમિલિયન ત્રીજાએ રૂબરૂ મળવા છતાં કોઈ દાદ આપી નહિ. પોતાના જૂના માલિક