પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોત્સાર્ટ
૪૫
 


કૉન્સ્ટાન્ઝે વેબર

1779ના ઑક્ટોબરમાં ફ્રિડોલીન વેબર અવસાન પામ્યો પછી એનું કુટુંબ મ્યુનિખ છોડી વિયેના આવી વસેલું. આલોઈસિયા વેબર તો વિયેનામાં પ્રસિદ્ધ સોપ્રાનો ઑપેરાસ્ટાર પ્રિમ ડોના બની ગયેલી તથા 1780માં અદાકાર જૉસેફ લેન્જને પરણી ગયેલી. લેન્જે 1789માં મોત્સાર્ટનો સુંદર પોર્ટ્રેટ ચીતરેલો. (એ પોર્ટ્રેટ આજે વિશ્વવિખ્યાત બની ચૂક્યો છે.) ફ્રિડોલીનની પત્ની ફ્રોઉ વેબરે પોતાના વિયેનાના મોટા મકાનમાંથી થોડા ઓરડા ભાડે આપેલા. ભાડાની એ આવક ગુજરાન ચલાવવા માટે જરૂરી હતી. આર્ચબિશપની નોકરી છોડ્યા પછી મોત્સાર્ટને પણ પોતાને રહેવા રૂમની જરૂર હતી. 1781ના મેની બીજીથી એ વરસના સપ્ટેમ્બર સુધી મોત્સાર્ટ ફ્રોઉ વેબરના ઘરમાં એક રૂમ ભાડે રાખીને રહ્યો. અને આલોઈસિયાની મોટી બહેન કૉન્સ્ટાન્ઝેના પ્રેમમાં પડ્યો. આ હકીકતની કૂથલીઓ મારફતે જાણ થતાં જ લિયોપોલ્ડે અકળાઈને સાલ્સબર્ગથી પત્ર લખીને બીજે ક્યાંય રહેવાની સગવડ શોધી લેવાનો પુત્રને આદેશ આપ્યો. વેબર પરિવાર માટે લિયોપોલ્ડે કદી પણ સારો અભિપ્રાય બાંધેલો નહિ. પણ અહીં તો ફ્રોઉ વેબરની પહેલી પુત્રી અને આલોઈસિયાની મોટી બહેન કૉન્સ્ટાન્ઝેના પ્રેમમાં મોત્સાર્ટ પડેલો ! ફ્રૉઉ વેબરને મોત્સાર્ટ જમાઈ તરીકે પસંદ હતો, પણ, વેબર પરિવારની પુત્રી લિયોપોલ્ડને પસંદ નહોતી ! આજ્ઞાપાલક દીકરાએ પિતાનો હુકમ માથે ચડાવીને વેબર પરિવારનું ઘર ભાડવાત તરીકે ભલે છોડ્યું પણ જમાઈ તરીકે નહિ, કારણ કે કૉન્સ્ટાન્ઝે તો એના દિલમાંથી ખસતી જ નહોતી.

લિયોપોલ્ડ પાસે પોતાનાં કારણો હતાં : મોત્સાર્ટ હજી ઘડાયો નથી, એ નાદાન અને નાસમજ છે, દુનિયાદારીનો પૂરતો અનુભવ એને નથી. બાળપણથી જ સંગીત કારકિર્દીમાં એટલો રચ્યોપચ્યો રહ્યો કે એને બીજા છોકરાઓની જેમ છોકરીઓના સહવાસનો અનુભવ