પૃષ્ઠ:Murakhraj ane tena Be Bhaio.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બેઠો. મૂર્ખાને થાકેલો જોઈ ગુલામ મનમાં ફુલાયો અને વિચારવા લાગ્યો : " આખરે મૂર્ખો થાક્યો તો ખરો. હવે તે મૂકી દેશે એટલે હું પણ જરા થાક ખાઉં."

આમ વિચારી તે એક ડાળ ઉપર બેઠો. પણ મૂર્ખો તો તેટલામાં ઊભો થયો, કુહાડી ખેંચી કાઢી અને જોરથી ઉગામીને એવા તો ઝપાટાથી મારી કે થડ તુરત જ તૂટી ગયું અને જમીન પર પડ્યું. ગુલામને તો આવી આશા જરાયે નહોતી. તેના પગ ખેંચી લેવા જેટલો વખત રહ્યો નહોતો. તેની એક ડાળીમાં તેનો પંજો ભરાયો. મૂર્ખો ડાળીઓ કાપવા જતો તેટલામાં તેણે ગુલામને જોયો અને તે આશ્ચર્ય પામીને બોલ્યો : " ઓ ! સેતાન, તું વળી પાછો આવ્યો કે?" ગુલામે જવાબ દીધો, " હું તો બીજો છું, હું તમારા ભાઈ ધન્વંતરિ સાથે હતો."

મૂર્ખો બોલ્યો : " તું ગમે તે હો, પરંતુ તારાયે એ જ હાલ થયા?" એમ કહી મૂર્ખે કુહાડીએ ઉગામી અને મારવા જતો હતો તેટલામાં ગુલામ કરગરવા લાગ્યો : "મને ન મારો, અને તમે કહેશો તે હું કરીશ."

મૂર્ખો બોલ્યો , " તું શું કરી શકે છે?"

ગુલામ બોલ્યો : "તમે કહો તેટલા પૈસા બનાવી શકું છું."