પૃષ્ઠ:Murakhraj ane tena Be Bhaio.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પૂંછડી હલાવવા માંડી ગયો. મૂર્ખાનાં માબાપ આ જોઈ આશ્ચર્ય પામ્યાં અને પૂછ્યું : " આ કૂતરાને તેં કઈ રીતે સાજો કર્યો?"

મૂર્ખે જવાબ આપ્યો : "હરકોઈ પણ દરદ મટાડવાને સારુ મારી પાસે બે મૂળિયાં હતાં. તેમાંથી એક આ કૂતરો ગળી ગયો તેથી સાજો થયો છે."

આ સમયે મૂર્ખાના ગામના બાદશાહની દીકરી માંદી હતી. બાદશાહે એવો ઢંઢેરો પિટાવ્યો હતો કે જે માણસ તે બાઈને સાજી કરે તેને ઇનામ મળશે અને જો તે માણસ કુંવારો હશે તો તે છોકરી તેને પરણશે.

આ ઢંઢેરાની વાત મૂર્ખાના બાપે મૂર્ખાને કરી અને કહ્યું : "બેટા, તું રાજાને ત્યાં જા. તારી પાસે મૂળિયું છે તે તેની છોકરીને આપજે, અને આથી તું સુખી થશે."

મૂર્ખો બોલ્યો : "ઠીક બાપા, હું જાઉં છું."

મૂર્ખો જવાને તૈયાર થયો. માબાપે તેને શણગાર્યો. જેવા તે બહાર નીકળ્યો તેવો જ એક લકવો થયેલ હાથવાળી ભિખારી ઓરતને મળ્યો. મૂર્ખાને જોઈ આ ઓરત બોલી : ' મેં સાંભળ્યું છે કે, તમારી પાસે દરદો મટાડવાની અક્સીર દવા છે, ભાઈ સાહેબ, મારો હાથ મટાડો. હું મારાં કપડાં પણ મારે હાથે પહેરી શકતી નથી."