પૃષ્ઠ:Murakhraj ane tena Be Bhaio.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મૂર્ખો બોલ્યો : "ઠીક છે." એમ કહી તેણે મૂળિયું ભિખારણને આપ્યું. તે ગળી ગઈ અને તેનો લકવો તુરંત દૂર થયો. મૂરખાને આશીર્વાદ આપી દીધું અને તેની પાસે કંઈજ ન રહ્યું એમ જોયું ત્યારે તેઓ દિલગીર અને ગુસ્સે થયાં."

તેઓ બોલ્યાં : "ભાઇ, તને ભિખારણની ઉપર દયા આવી. રાજાની દીકરી સારુ તું બિલકુલ દિલગીર થતો નથી?" મૂરખાને તો તેની પણ દિલગીરી હતી, પણ તેની સામે આવી ઊભેલી ભિખારણને તે કેમ કાઢી મૂકે ? મૂર્ખો ગાડી જોડી તેમાં ડૂંડા નાખી ચાલવા લાગ્યો.

બાપે પૂછ્યું : "કેમ અલ્યા, ક્યાં જાય છે?"

મૂરખે જવાબ આપ્યો : " રાજાની દીકરીની દવા કરવા."

"પણ તારી પાસે તો દવા કંઈ રહી નથી." એમ બાપ બોલી ઊઠ્યો.

મૂર્ખે ધીમેથી વિનયપૂર્વક જવાબ આપ્યો : " બાપા, તમે ફિકર ન કરો. બધું સારું થઈ રહેશે."