પૃષ્ઠ:Murakhraj ane tena Be Bhaio.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પાસે પૈસો એટલો થયો કે તેને ક્યાં સાચવવો એ વિચારવાની વાત થઇ પડી. જીવવું પણ ભારે થઇ પડ્યું. ધાતુ સિવાય દરેક વસ્તુની તાણ પડવા લાગી. રસોઈયા, ગાડીવાળા વગેરે પેલા વેપારીને ત્યાં જવા લાગ્યા. બજારમાંથી ખાવાનું પણ ન મળે. બધું વેપારીએ ખરીદી લીધું.

ધન્વંતરિ ખિજાયો. વેપારીને દેશપાર કર્યો. એટલે તેણે ધન્વંતરિણી સરહદની બહાર છાવણી નાખી. તેથી સ્થિતિ આગળના જેવી જ રહી. ધન્વંતરિની પાસે જવાને બદલે લોકો તો સેતાનના પૈસાથી અંજઈને તેની પાસે જ જતા હતા.

રાજાનું શરીર દુર્બળ થતું ગયુ, ખાવાના સાંસા પડ્યા, તે ગભરાયો. તેવામાં ખસિયાણો પડેલો સમશેર આવી પહોંચ્યોને બોલ્યો, "ભાઈ, તું મને મદદ કર. મારું તો બધું હું હારી છૂટ્યો છું. અને જીવ લઈને નાઠો છું."

ધન્વંતરિ પોતે દુઃખ દરિયામાં ડૂબેલો! એ શુંમદદ કરે? "મને તો ખાવાના યે સાંસા છે. બે દિવસનો ભૂખ્યો છું. મારા પૈસા ગળે પથરા જેવા થઈ પડ્યા છે. માગ્યાં મૂલ દેતાં પણ કોઈ મારું કામ કરવા આવતું નથી. તું તારું દુઃખ રડીશ કે હું મારું તારી પાસે રડું?" એમ બોલી ઊંડો નિસાસો નાખી ધન્વંતરી મૂંગો રહ્યો.