પૃષ્ઠ:Murakhraj ane tena Be Bhaio.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મૂરખરાજે સાંભળ્યું, અને બોલ્યો : "ભલે, એક લશ્કર બનાવો; તેઓને ગાતાં શીખવવું, કારણ કે મને ગાવું પસંદ છે. "

સેતાન ગામમાં ફરી વળ્યો. બધાને સિપાઇગીરી લેવાનું સમજાવ્યું, અને લાલચો આપી. માણસો હસી પડ્યા, લાલચોની કંઇ અસર ન થઇ અને બધાએ ના પાડી.

સેતાન મૂર્ખા પાસે ગયો અને બોલ્યો : " આપની રૈયત પોતાની મેળે લશ્કરી કામ શીખે એવું લાગતું નથી. તેઓને તો ફરજ પાડવી પડશે. "

મૂર્ખો બોલ્યો : " ભલે એમ અજમાવી જો. "

એટલે સેતાને દાંડી પિટાવી કે જે કોઇ માણસ, વગર કારણે લશ્કરી ખાતામાં દાખલ નહીં થાય તેને ફાંસી દેવામાં આવશે.

લોકો આ સાંભળીને સેતાનની પાસે આવ્યા, અને બોલ્યા : "તમે એમ દાંડી પિટાવી છે કે, જો અમે લશ્કરી ખાતામાં દાખલ નહીં થઇએ તો અમને ફાંસી મળશે. પણ અમે દાખલ થઇએ તો અમારે શું કરવું પડશે, અને અમારું શું થશે એ તો તમે જણાવ્યું નથી. કોઇ તો એમ કહે છે કે સિપાઇઓને વગર કામનું મરવું પણ પડે છે."