પૃષ્ઠ:Murakhraj ane tena Be Bhaio.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સેતાને જવાબ દીધો : "એમ પણ કોઇ વેળા બને."

આવું સાંભળી લોકે હઠ પકડી અને લશ્કરમાં દાખલ થવાની ના પાડી. તેઓ બોલી ઉઠ્યા: "ગમે તે પ્રકારે અમારે મરવું તો છેવટ ત્યારે ભલે અમે ઘેર બેઠાં ફાંસીએ જ ચડીએ."

સેતાન ખિજાઇ બોલ્યો : "તમે બધા બેવકૂફ છો. લડાઇમાં તો મરીએ પણ ને મારીએ પણ. જો તમે દાખલ નહીં થાઓ તો તો તમારું મોત ખચીત જ છે."

આથી લોકો જરા મૂંઝાયા, અને મૂરખરાજની પાસે ગયા, અને કહેવા લાગ્યા : "આપનો સેનાપતિ કહે છે કે અમે લશ્કરી ખાતામાં દાખલ નહીં થઇએ તો આપ અમને બધાને ફાંસી દેશો. શું આ વાત ખરી છે!"

મૂર્ખો હસીને બોલ્યો : "હું એકલો તમને બધાને કઇ રીતે ફાંસીએ ચડાવું? હું તો મૂર્ખો કહેવાઉં. એટલે તમને આ બધું સમજાવી શકતો નથી. પણ સેનાપતિનું બોલવું હું પોતે નથી સમજતો."

બધા બોલી ઊઠ્યા: "ત્યારે અમે કદી દાખલ થઇશું નહીં."

મૂર્ખો બોલ્યો : "એ બહુ ઠીક વાત છે. ન થજો." એટલે લોકોએ સેનાપતિને ચોખ્ખી ના પાડી.