પૃષ્ઠ:Murakhraj ane tena Be Bhaio.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સેતાને જોયું કે તેના દાવમાં તે ન ફાવ્યો. તેથી તે મૂરખરાજને છોડી પાસેના રાજા આગળ ગયો અને નીચે પ્રમાણે બોલ્યો : "મહારાજાધિરાજ! મૂરખરાજનો દેશ મેં જોયો છે. તેના માણસો નમાલા છે. તેમની પાસે પૈસો નથી, પણ દાણા, ઢોર વગેરે ખૂબ છે. આપ જો લડાઇ કરો તો એ બધું લૂંટી લેવાય."

રાજા ફુલાયો અને લલચાયો. તેણે લડાઇની તૈયારી કરી દારૂગોળો એકઠો કર્યો. અને મૂરખરાજની સરહદ ઉપર પડાવ નાખ્યો.

લોકોને ખબર પડતાં તેઓ મૂર્ખા પાસે આવ્યા અને બોલ્યા : "કોઇ રાજા આપણી ઉપર ચડાઇ કરવા આવે છે."

મૂર્ખો બોલ્યો : "ભલે આવે. તેને આવવા દો."

રાજાએ સરહદ ઓળંગી ને મૂરખરાજનું લશ્કર તપાસવા પાગિયા મોકલ્યા. લશ્કર તો ન મળે એટલે પાગિયા શું શોધે? રાજાએ પોતાનું લશ્કર લૂંટ કરવા મોકલ્યું. મરદો અને ઓરતો તાજુબી પામી સિપાઇઓને જોવા લાગ્યાં. સિપાઇઓએ અનાજ અને ઢોર ઉપર હાથ નાખ્યો. લોકો સામે ન થયા. સિપાઇઓ જ્યાં જાય ત્યાં આમ જ બન્યું. લોકો સિપાઇઓને કહેવા લાગ્યા, તમારે અમારા દાણા અને ઢોરનો ખપ હોય તો ભલે લઇ જાઓ. પણ તમારા ગામમાં તેની તંગી હોય તો અમે અમારા