પૃષ્ઠ:Murakhraj ane tena Be Bhaio.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગામમાં આવીને વસો. એમ કરશો તો તમને દાણો સારી જવાની અને ઢોર હાંકી જવાની તકલીફ ઓછી થશે.

આવાં વચન સાંભળી પ્રથમ તો સિપાઇઓ હસ્યો, પછી વિચારમાં પડ્યા. કોઇ સામે ન થાય એટલે લૂંટમાં તો સ્વાદ રહ્યો નહીં.

તેઓ થાક્યા. રાજાની પાસે નિરાશ થઇ પાછા ગયા ને બોલ્યા, "આપે અમને લડવા મોકલ્યા પણ અમે કોની સાથે લડીએ? અહીં તો અમારા તલવાર હવામાં ઉગામવા જેવું છે. કોઇ અમારી સામે જ થતું નથી. ઊલટા તેઓ પોતાની પાસે હોય તે અમને સોંપી દે છે. અહીં અમે શું કરીએ?"

રાજા ગુસ્સે થયો. સિપાઇઓને દાણા, ઘર વગેરે બાળી નાખવાનો અને ઢોરને કાપી નાખવાનો હુકમ કર્યો અને બોલ્યો : "જો મારા હુકમ પ્રમાણે નહીં ચાલો તો હું તમને બધાને કતલ કરીશ."

આ સાંભળી સિપાઇઓ બીધા; અને હુકમ પ્રમાણે કરવા ચાલ્યા. તેઓ ઘરબાર બાળવા લાગ્યા છતાં તેઓ સામે ન થતાં નાનામોટા બધા રોવા લાગ્યા અને બોલ્યા : "તમે આમ શુ કામ કરો છો? અમારો માલ તમને જોઇએ તો લઇ જાઓ પણ નકામું નુકસાન ન કરો તો તમારો પાડ."

સિપાઇઓ પીગળી ગયા. તેઓએ લૂંટફાટ કરવાની ચોખ્ખી ના પાડી. અને રાજાને છોડી ચાલતા થયા.