પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦
'મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
 
તકીઉદ્દીન મા'રૂફ

તકીઉદ્દીન અબુબક્ર મુહમ્મદ બિન કાઝી મારૂફ ઇબ્ને અહમદ અલ શામી અલ અસ્અદી અલ રાશીદનો જન્મ દમાસ્કસ (સીરીયા)માં ઈ.સ. ૧૫૨૬માં થયો હતો. તેઓ એક પ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી તરીકેની નામના ધરાવે છે. આ ઉપરાંત ગણિત, ઈજનેરી, યંત્રશાસ્ત્ર અને પ્રકાશવિજ્ઞાનમાં પણ ફાળો આપ્યો. ઘણા પુસ્તકોના લેખક હતા. હાલમાં ઉપલબ્ધ વિજ્ઞાનના ઇતિહાસ વિષયક પ્રસિદ્ધ પુસ્તક 'અલ તરૂફ અલ સાનીયા ફિલ આ'લાત અલ રૂહાનીયા' (the sublime method of spiritual machines)માં પ્રારંભિક કક્ષાના વરાળયંત્ર અને સ્ટીમ ટર્બાઈનની ચર્ચા વિચારણા કરવામાં આવી છે. જીઓવાની બ્રેન્કા એ સ્ટીમ પાવરની શોધ ૧૬ર૯માં કરી એના ઘણા વર્ષો પહેલાં તકીઉદ્દીન મારૂફે આ વિષે લખ્યું હતું. તકીઉદ્દીન 'મોનોબ્લોક' છ સિલીન્ડરવાળા પંપના શોધક તરીકે પણ ઓળખાય છે અને ઈસ્તંબૂલની વેધશાળાના બિલ્ડર તરીકે પણ.

સીરીયા અને ઈજીપ્તમાં તકીઉદીને ન્યાયધીશ તરીકે અને પેલેસ્ટાઈનના નેબ્લૂસમાં શિક્ષક તરીકે ફરજ બજાવી હતી. ઈજીપ્ત અને દમાસ્કસના રોકાણ દરમિયાન ખગોળશાસ્ત્ર અને ગણિતમાં ઘણા મહત્વના કાર્યો કર્યા. ઈ.સ. ૧પ૭૦માં કેરો (ઈજીપ્ત)થી ઈસ્તંબૂલ (તુર્ક) આવ્યા અને એક વર્ષ પછી વેધશાળાના મુખ્ય ખગોળશાસ્ત્રી મુસ્તુફા બિન અલી અલ મુવકી ના અવસાનથી ખાલી પડેલું સ્થાન પૂર્યું. રાજકીય માણસો સાથે સારા સંબંધો રાખ્યા. મુખ્ય વઝીર સેકલુ મોહમ્મદ પાશાએ સુલતાન મુરાદ સાથે ઓળખાણ કરાવી હતી.

ખગોળશાસ્ત્રમાં રસ ધરાવતા સુલતાનને તકીઉદ્દીને વાત કરી કે ઊલૂગબેગના ખગોળીય કોષ્ટકોમાં કેટલાક સુધારા વધારા જરૂરી છે એ માટે વેધશાળા બાંધવામાં આવે તો અવલોકનો ફરીથી લઈ કોષ્ટકો સુધારી શકાય. સુલતાને વેધશાળા બાંધવાનો હુકમ કર્યો. આ વેધશાળા ‘દારૂલ રસાદ અલ જદીદ' (નવી વેધશાળા) તરીકે ઓળખાવા લાગી. ઈ.સ. ૧૫૭૯માં બંધાઈ ગઈ ત્યારે વિશ્વની મોટામાં મોટી વેધશાળાઓમાંની એક હતી. તકીઉદ્દીને અહીં પારંપારિક ઉપરાંત નવા સાધનો પણ વિકસાવ્યા હતા. ટાયકો બ્રાહે (૧૫૪૬-૧૬૦૧) નામક ખગોળશાસ્ત્રીએ પણ તકીઉદ્દીન જેવા જ સાધનો વાપર્યા હતા એ જોગાનુજોગ છે. કેટલાક રાજકીય કારણોસર ઈ.સ. ૧૫૮૦માં આ વેધશાળાને તોડી પાડવામાં આવી.