પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
૭૧
 
અલ જાહિઝ

અબૂ ઉસ્માન અમ્ર ઇબ્ને બહર અલ જાહિઝનો જન્મ ઈ.સ. ૭૭૬માં ઈરાકના બસરા શહેરમાં થયું હતું. પ્રસિદ્ધ ગદ્યલેખક, પ્રાકૃતિક ઈતિહાસવિદ અને પ્રાણીશાસ્ત્રી જાહિઝે ઈ.સ. ૮૮૮/૮૬૯માં દુનિયાથી વિદાય લીધી.

અલ જાહિઝે અલ અસ્મઈ, અબૂ ઉબૈદા અને અબૂ ઝૈદ જેવા ભાષાશાસ્ત્રીઓ અને વિદ્વાન લેખકો પાસેથી શિક્ષણ મેળવ્યું હતું. આ ઉપરાંત જાહિઝે ગ્રીક ભાષામાંથી અરબીમાં ભાષાંતર કરવાની કળા પણ શીખી હતી.

પ્રખર વાચક એવા અલ જાહિઝે ખલાસીઓ, ગ્રામવાસીઓ અને બસરાના બધાજ વર્ગના લોકો પાસેથી મૌખિક માહિતી એકઠી કરી હતી અને પોતાની વાર્તાઓમાં ગૂંથી લીધી હતી. અલ જાહિઝે ઘણી કૃતિઓની રચના કરી હોવાનું જાણવા મળે છે પરંતુ હાલમાં ૩૦ ગ્રંથો ઉપલબ્ધ છે. ગ્રંથોની રોયલ્ટીમાંથી એટલું બધું તેઓ કમાયા હતા કે કોઈ પણ જાતની સરકારી આવક વિના પણ તેઓ સ્વાવલંબી હતા ! એમણે ઘણા ગ્રંથો વિજ્ઞાન વિશે પણ લખ્યા હતા. પરંતુ તેઓ જાણીતા છે પ્રાણીઓ વિશે લખેલા ગ્રંથ 'કિતાબ અલ હયવાન' વિશે જે એમની શ્રેષ્ઠ રચના ગણાય છે. આનો અંગ્રેજી અને સ્પેનીશ તથા બીજી યુરોપિયન ભાષાઓમાં અનુવાદો પ્રકાશિત થઈ ચૂકયા છે. આ ગ્રંથ સાત ભાગમાં છે. અલ જાહિઝે આમાં એરિસ્ટોટલના સમયથી લઈ એમના પોતાના સમય સુધીના પ્રાણીઓ વિશેની માન્યતાઓ, જ્ઞાન, એમની ટેવો, શુભ અશુભ ચિહનો, વગેરેનો પ્રાણીશાસ્ત્રીય, સામાજિક અને શબ્દિક ચર્ચાઓ કરી છે. ઉપરાંત પ્રાણીઓ વિશેની અરબી કહેવતો, રૂઢિપ્રયોગો, અંધશ્રદ્ધાઓ વગેરેનો પણ ઉલ્લેખ કર્યો છે. અલ જાહિઝે પ્રાણીઓ ઉપર કરવામાં આવતા ઝેરી અખતરા તથા ખસીપણાની અસરો, એમની જાતિય વિસંગતતાઓ, નર-નર પ્રાણીઓના જાતિય કર્મ વગેરેની પણ છણાવટ કરી છે. આમ આ ગ્રંથ પ્રાણીશાસ્ત્રના વિશ્વકોષ સમાન છે.

અલ જાહિઝ પોતાના પૂરોગામીઓના લખાણો કે માહિતીનું આંધળું અનુકરણ કરતા ન હતા. તેઓ પોતે પોતાનો નિર્ણય લેતા હતા અને મોટાભાગે પોતે સંશોધન કરતા. આવા ઘણા સંશોધનો તેમની આગવી પદ્ધતિને લીધે ખ્યાતિ પામ્યા. તેઓ રૂઢિગત બાબતોનો વિરોધ કરતા. પ્રાણીશાસ્ત્ર વિશે આના જેવું ગ્રંથ પછી ક્યારેય ઇસ્લામી જગતમાં પ્રકાશિત થયું નહીં.