પૃષ્ઠ:Nalakhyan - Gu - By Premanand.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભીમકકુમારી નળની નારી, રૂપ શું કહું મુખ માંડી;
તે રાણી જાહાં નહીં ફળ પાણી, નળે વનમાં છાંડી.
દાસી રૂપ ધર્યુંદમયંતી, કુબળું થયું નળગાત્ર;
તેહેનાં દુઃખ આગળ યુધિષ્ઠિર, તાહારું દુઃખ કોણ માત્ર.
કર જોડીને ધર્મ એમ પૂછે, કોહો મુજને ઋષિરાય,
ઘણું દુઃખ પામ્યો નળરાજા,શા કારણ કહેવાય.
કોણ દેશનો નરેશ કહાવે, કેમ પરણ્યો દમયંતી;
તે રાણી નળે કેમ છાંડી ને, કાંહાં મૂકી ભમયંતી.
ઉતપત્ય કોહો નળદમયંતીની, અથ, ઇતિ કથાય;
દુખીઆનું દુઃખ સાંભળતાં[૧] માહારી, ભાગે મનની વ્યથાય.

(ઉથલો.)

વ્યાથા ભાગે માહારા મનની, કહે યુધિષ્ઠિર રાજાનરે;
વદે વિપ્ર પ્રેમાનંદ તે, નળતણું આખ્યાનરે.



કડવું ૨ જું.

(રાગ–ગોડી.)

બૃહદૃશ્વજી મુખ વાણી વદે, રાય યુધિષ્ઠિર ધરતા હૃદે;
નૈષધ નામે દેશ વિશાળ, રાજ્ય કરે વીરસેન ભૂપાળ;
તેહને સુરસેન બાંધવા જંન,તે બેહુને અકેકો તંન;
તે રૂપે ફુટડા જેવા કામ, નળ પુષ્કર બંન્યોના નામ.
પછે નળને આપી રાજ્યાસંન, પિતા કાકો બંન્યો ગયા વંન;
ચલાવે રાજ્ય નળ મહામતિ, પુષ્કરને કીધો સેનાપતિ.
જિત્યા દેશ વધારી ખ્યાત, શત્રુ માત્ર પમાડ્યા શાંત;
ભૂપતી સર્વ નૈષધને ભજે, નળ પુષ્કરે કીધૂં દિગવજે.


  1. ૧ ‘પ્રસારતાં ’ ( ૧૮૦૬–૧૮૯૧ ); ‘પ્રકાશતાં ’ (૧૯૫૬).