પૃષ્ઠ:Nalakhyan - Gu - By Premanand.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અવળા સવળા સાલે સવ્યસાચી, માટે કરું છૌ રુદન.[૧]
ભીમસેનનીપાસે જો હું, માંગુ દાતણ પાણી;
બડબડતો જાએ રીસાવી, લાવે વૃક્ષ મોહોટું તાણી.
પ્રાતઃ સામગ્રી નકુળ પાસે, કદાપિ જો મેં માંગી;
એક પહોર તો વાર લગાડે, એટલી કરે વરણાગી
સહદેવને જો કામ દેઉં, સાધુ મંન ન આણે શેષ;
પણ મધ્યાહ્ને ઘરમાંથી નીસરે, જોતો જોતો જોષ.
દક્ષિણ દિશાએ જોગણી જો, જાઉંતો દુઃખ પામું;
પૂર્વ દિશાએ પરવરું તો, ચંદ્રનું ઘર છે સાહામું.
એવી રીત તો ત્રણે ભાઈની, મુજથી નવ સહેવાય;
દ્રૌપદીને મોકલું તો, હરણ કરી કો જાય.
વણ માગે વેળાએ આપે, જે જોઇએ તે આણી;
ફળ જળ મુખ આગળ લેઈ મેહેલે, તે તો ગાંજીવપાણી.
તેહના ગુણ હું નથી વિસરતો, રહ્યો છૌં હૃદયા રાખી;
સુખ સંતોષ વિના છૌં સૂનો, મુનિ હું પારથ પાખી.
નિ:શ્વાસ મૂકી ધર્મ એમ પૂછે, કોહોને બૃહદશ્વ ઋખી;
વન વસવું ને વિજોગ પડીઓ, હું સરખો કો દુઃખી.
રાજ્યાસના ધન ભુવન રિધ, તેહ અમો સર્વ હારી;
એહેવું કોને હવું હશે સ્વામી, પીડા પામે નારી.
વળતા વાણી વદે બૃહદૃશ્વજી, સહું આણે વૈરાગ;
નળ દુઃખ પામ્યો અરે પાંડવ, નથી તેહનો સોમો ભાગ.
રૂપ રાજ્ય ને ધંન બળ તે, ન મળે નળસમાન;
અનેક કષ્ટ તેહેના જેવું, કો ન ભોગવે રાજાન.


  1. ૧. ‘આડા ઘા સાલેછે સબળા, મા તે કરૂં છૌં રૂદંન’
    (૧૮૫૬૯૨); ‘આડા અવળા ઘાય મુજને, સાલેછે અનુદિન્ન’ ( બા∘).