સાથીદારોની સામે જ લડવાનો અમારો ધર્મ હતો. અમે જેને માટે લડતા હતા એ હેતુ શુદ્ધ હતો.’
‘યુદ્ધમાં જેઓ ઝંપલાવે છે તેઓ બધા જ કાંઈ વિજય પામતા નથી પણ જે ઉચ્ચ હેતુ માટે અમે લડ્યા એ હેતુ માટે અમને આજે પણ અભિમાન છે. અમે ગૌરવ ધરીએ છીએ.’
દિલ્હીનો લાલ કિલ્લો, જે કિલ્લા પર આજેય, યુનિયન જેક ફરકી રહ્યો છે. એ સ્થળે, બરાબર, એ જ કાઠી પર, ત્રિરંગી ઝંડો કરકાવીને, ‘જય હિન્દ’ની, જયઘોષણા ગજાવી, હિંદને આાઝાદ બનાવવાનાં જેમણે સ્વપ્નાં સેવ્યાં, એ સ્વપ્નાંની સિદ્ધિ માટે, નેતાજી સુભાષ બોઝની સાથે રહીને, જે ઝૂઝ્યા, અને ઝૂઝતાં ઝૂઝતાં દુશ્મનને હાથે કેદ પકડાયા અને એ જ લાલ કિલ્લાની એક બરાકમાં પૂરાયેલા એવા આઝાદ ફોજના એક કર્નલ, શ્રી. જગન્નાથરાવ ભોંસલેના આ વિચારો છે.
લાલ કિલ્લામાં વારેવારે તેમને કહેવામાં આવતું હતું, ‘તમારી સામેનો મુકદ્દમો તૈયાર થઇ રહ્યો છે.’
અને કર્નલ ભોંસલે પણ પોતાની સામેના મુકદ્દમાની રાહ જોતાં દિવસો પસાર કરી રહ્યા હતા. દિલ્હીના લાલ કિલ્લામાં પૂરાયેલા પોતાના બીજા સાથીદારો સાથે તેઓ મળતા; ત્યારે પણ એમની ખૂમારી એવી ને એવી જ હતી. ત્યારે લશ્કરી અદાલત સમક્ષ આઝાદ ફોજના ત્રણ અફસરોનો મુકદ્દમો ચાલી રહ્યો હતો.
‘પૂર્વ એશિયામાં અમે જે કાંઇ કર્યું છે, તેનાથી અમને સંતોષ છે, કારણ કે અમે જે કાંઇ કરી છૂટ્યા તેની, અમારા દેશબાંધવો કદર કરે છે.’