લખાણ પર જાઓ

પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૬
નેતાજીના સાથીદારો
 


‘તમે તમારા દેશની અને તમારા કુટુંબની માત્ર ઉચ્ચ પ્રણાલિકાને જાળવી રાખશો એટલું જ નહિ, પણ તેને વધુ યશસ્વી બનાવો. હિંદી જુવાનોને માટે તમે પ્રેરણાદાયી દૃષ્ટાન્ત પૂરું પાડશો.’

જ્યારે એ શબ્દોમાં તેમને વિદાય આપવામાં આવી ત્યારે ભાવિનો ખ્યાલ કોને આવ્યો હશે ? કોના દિલમાં એવી કલ્પના પણ આવી હશે કે જે ઉજ્જ્વલ કારકીર્દિ મેળવવાને જગન્નાથરાવ ભોંસલે જઈ રહ્યા છે, તે ઉજ્જવલ કારકીર્દિની ખરી શરૂઆત તો બર્મામાં થઈ.

લંડનની કારકીર્દિ પણ સફળતાને પામી અને તેમને ૧૯૨૮માં ક્વેટા ખાતે લેંકેશાયર રેજીમેન્ટમાં મૂકવામાં આવ્યા. એક વર્ષ પછી ત્યાંથી ફરીને તેમને પાંચમી રોયલ મરાઠા ઇન્ફેન્ટરીમાં મૂકવામાં આવ્યા.

ઉત્તરોત્તર પ્રગતિ થતી ગઈ અને ૧૯૩૭માં તેમને કેપ્ટનપદે નીમવામાં આાવ્યા. એ જ વર્ષે, શહેનશાહ જ્યોર્જ છઠ્ઠાને ગાદીનશીન કરવાનો ઉત્સવ ભારે ધામધૂમથી લંડનમાં ઉજવાયો હતો. આઠમા એડવર્ડના ગાદીત્યાગ પછી શહેનશાહ જ્યોર્જ છઠ્ઠા ગાદી પર આવતા હતા. શાહી દરબારમાં હાજર થવાને માટે હિંદના પ્રથમ પંક્તિના રાજવીઓને અને વફાદારોને આમંત્રણો મળ્યાં હતાં. ત્યારે હિંદના લશ્કરી ઓફિસરોને પ્રતિનિધિ તરીકે શહેનશાહના દરબારમાં હાજરી આપવાને હિંદી સૈન્ય તરફથી જગન્નાથરાવ ભોંસલેની પસંદગી કરવામાં આવી હતી. તેઓ બકિંગહામ પેલેસમાં ભરાયેલા દરબારમાં હાજર થયા અને ત્યાંથી જ ગાયક્વાડ નરેશ સાથે જગતના પ્રવાસે નીકળ્યા. યુરોપનાં અગત્યનાં તમામ શહેરોની તેમણે મુલાકાત લીધી અને સ્વાધીનતાનો આાસ્વાદ ભોગવી રહેલી પ્રજાના સુખનાં, વૈભવનાં ને સુખી જીવનનાં દર્શન કર્યાં. એ પ્રવાસ દરમિયાન તેમના