વિરાટ સભા. હજારોની માનવમેદની ભરેલી સભાને ચાર ચાર
કલાકથી, બલિદાન આપવાની, મરી ફીટવાની, આગળ આવવાની હાકલ કરી રહ્યા હતા.
પોતાની કરોડોની માલ મિલ્કત નેતાજીને અર્પણ કરનાર, મુસ્લિમ બિરાદર શ્રી. હબીબ પછી, પોતાની લાખોની દોલત આપી દેનાર શ્રી. બેટાઇને, નેતાજીએ સભામાં જ અભિનંદન દીધાં અને બીજા ફકીર તરીકે તેમને સત્કાર્યા.
સદ્ભાગ્યે નેતાજીને પૂર્વ એશિયામાં વસતા હિંદીઓએ પ્રાંતભેદ ભૂલીને તમામ પ્રકારની સહાયતા આપી હતી. ત્યાં કોઇ નહોતું ગુજરાતી, કોઈ નહોતું બંગાળી કે કોઈ નહોતું પંજાબી, જૈન કે હિંદુ નહતું અને કોઈ મુસ્લિમ નહતું. સહુ હતા હિંદીઓ અને સૌનો ધર્મ હતો આઝાદી’.
શ્રી. હેમરાજ બેટાઈ, નેતાજીના પરિચયમાં આ પહેલાં આવ્યા હતા, આ પહેલાં તેમણે આઝાદ હિંદ સરકાર અને આઝાદ હિંદ ફોજને પોતાની સેવાઓ આપી હતી. નેતાજી પ્રત્યેનો તેમનો પ્રેમ અને વિશ્વાસ અપૂવ હતો. નેતાજી સુભાષ બોઝ વિશે જેમ પૂર્વ એશિયામાંના બીજા હિંદીઓ અજ્ઞાત હતા, તેવી જ રીતે શ્રી. બેટાઇ પણ અજ્ઞાત હતા; પરન્તુ નેતાજીના આગમને જેમ હિંદીઓમાં નવો પ્રાણ પૂરાયો, તેવી જ રીતે શ્રી. બેટાઇનો સ્વદેશપ્રેમ પણ જાગી ઊઠ્યો.
ચાલીસેક વર્ષના જુવાન શ્રી. હેમરાજ કાઠીઆાવાડમાં આવેલા દ્વારકા પાસેના બેટ શંખોદ્ધારના મૂળ રહીશ. બાલ્યકાળ ત્યાં જ પૂરો કરીને, માત્ર ચૌદ વર્ષની વયે જ તેમણે પોતાના વતનને રામરામ કર્યા. પોતાના દેશને પણ રામરામ કર્યા અને પારાવાર મુશ્કેલીઓ યાતનાઓ વચ્ચેથી સફળતાથી પસાર થઈને, બર્મા પહોંચ્યા.