બર્માની ભૂમિ પર ત્યારે હિંદીઓ સત્કાર પામતા હતા. હિંદીઓ પ્રત્યે બર્મિઝોના દિલમાં સદ્ભાવ હતો. એ સદ્ભાવનાને ઝીલીને હિંદીઓ ત્યાં સ્થિર થયા. વ્યાપાર ધંધો
જમાવ્યો. ધન કમાયા અને હિંદીઓ ફૂલ્યા, ફાલ્યા ને વિકસ્યા. એ હિંદીઓએ માત્ર પોતાના બુદ્ધિબલથી કે કૌશલ્યથી જ પોતાનો વ્યાપાર ધંધો જમાવ્યો હતો, એમ નહિ, પણ બર્મિઝોની ભલી લાગણી તેમાં ઓતપ્રોત થયેલી હતી.
શ્રી. બેટાઈએ પણ ધીમે ધીમે પોતાનો વ્યાપાર જમાવવા માંડ્યો, ભારેમાં ભારે પરિશ્રમ ઉઠાવીને તેમણે પોતાના ધંધામાં કુનેહપૂર્વક સફળતા મેળવી અને રંગુનમાં ગ્રામોફોનની દુકાન જમાવી. આક્યાબમાં અને સાંધવેમાં કાચા માલ અને અનાજની દુકાનો જમાવી. વ્યાપાર ધંધો વ્યવસ્થિતપણે ચાલતો હતો અને ધંધામાંથી સારી જેવી કમાણી પણ થતી હતી, પણ તેમનાં પત્ની ત્રણ બાળકોને મૂકીને પરલોકના પંથે પરવાર્યાં હતાં, એ ત્રણ બાળકોને પોતાનાં જ ગણીને ઉછેરી તેમનામાં સસ્કારનું સિચન કરે, તેમનું ધડતર કરે અને પોતાના સંસારને નવપલ્લવિત બનાવે તેવી પત્નીની ખોટ તેમને જણાતી હતી.
રંગુનમાં આવીને ધંધામાં દિનપ્રતિદિન પ્રગતિ કરતાં શ્રી. હેમરાજ બેટાઈ પર તેમના જ એક જ્ઞાતિબંધુ શ્રી. વસનજીભાઈની નજર હતી. શ્રી. વસનજીભાઈ પણ રંગુનમાં જ પોતાનો વ્યાપાર ધંધો જમાવીને બેઠા હતા, તેમનો વ્યવસાય મુખ્યત્વે કાપડનો હતો. એમાંથી તેમણે પણ સારી જેવી મૂડી જમાવી હતી.
તેમણે શ્રી. હેમરાજ બેટાઈને પોતાના જમાઈ તરીકે પસંદ કર્યા અને રંગુનમાં જ તેમનાં લગ્ન થયાં. તેમનાં પત્નીનું નામ શ્રી. હીરાબહેન. શ્રી. હીરાબહેનમાં સામાન્ય રીતે ગુજરાતી સ્ત્રીઓમાં ક્વચિત જ જોવા મળે એવા ઉમદા ગુણો અને