પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્વ. રાસબિહારી ઘોષ
 


ખાતર તમે અત્યારે અદૃશ્ય થઈ જાવ; ફરીને અનુકૂળ પળે આપણે આપણી યોજનાને અમલમાં મૂકી શકશું.’

‘પણ તમને બધાને મૂકીને મારાથી કેમ જવાય ? સાથીદારોને અણીની પળે એકલા કેમ મૂકાય ?’ રાસબિહારી ઘોષ જવાબ આપતા હતા.

સાથીદારો તેમને ‘દાદા’ના લાડકા નામે બોલાવતા હતા.

આખરે તેમણે હિંદમાંથી ચાલ્યા જવાનું` નક્કી કર્યું અને ૧૯૧૬માં પોતાની શોધ માટે આકાશ પાતાળ એક કરી રહેલી સરકારને, તેનાં ચક્રોને થાપ આપીને રાસબિહારી ઘોષ જાપાન પહોંચી ગયા. દેશભરમાં રામબિહારી ઘોષની શોધ પાછળ ભટકતી પોલિસ હતાશ બની.

ને રાસબિહારીને ફાંસીને માંચડે લટકાવવાની સરકારની ઉમેદ પણ નિષ્ફળ ગઈ.

હિંદમાંથી જ્યારે તેઓ છટકી ગયા ત્યારે તેમનો ઇરાદો હિંદની આઝાદી માટે લડતા હિંદી યુવાનોને માટે જર્મનીની સહાયતા મેળવવાનો હતો. ચીન પહોંચી ગયા પછી તેમણે જેમ તેમ કરીને હથિયારો મેળવ્યાં અને હિંદમાંના પોતાના સાથીદારો પર એ રવાના કર્યાં, પણ કમનસીબે પોતાના સાથીદારોને મળે તો એ પહેલાં તો એ સરકારના હાથમાં જઈ પડ્યાં.

બ્રિટિશ સરકારે જાપાન પર હવે દબાણ કરવા માંડ્યું. ‘રાસબિહારીને અમારે હવાલે કરી દો’, શરૂ શરૂમાં તો જાપાને મચક આપી નહિ પણ આખરે બ્રિટિશ સરકારના દબાણ આગળ વશ થવું પડ્યું, રાસબિહારીને પકડીને બ્રિટિશ સરકારને હવાલે કરવાને બદલે તેમને પાંચ દિવસમાં શાંઘહાઈ છોડી જવાની નોટિસ આપી.

રાસબિહારી ઘોષને ગુપ્તવાસમાં જવું પડ્યું. આઠ વર્ષ સુધી તેમનું નામ સંભળાયું નહિ. દરમિયાન હિંદમાં તો તેમણે