પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્વ. રાસબિહારી ઘોષ
 


એક અખબારના તંત્રીપદેથી તેમણે જગતને હિંદનો પ્રશ્ન સરસ રીતે સમજાવ્યો હતો. તેમ જ અવારનવાર જાપાનનાં અખબારોમાં હિંદ વિશે તેઓ લેખો પણ લખતા હતા.

જાપાનના પાટનગર ટોકીઓમાંનું તેમનું મકાન એ તો હિંદી યુવાનોનુ એક વિશ્રામસ્થાન હતું. હિંદમાંથી જાપાનની સફરે આવતા જુવાનો રાસબિહારી ઘોષનાં દર્શને આવવાનું ભાગ્યે જ ચૂકતા, એવા હિંદીઓને મળીને રાસબિહારી ઘોષ આનંદિત થતા, તેમની સાથે દિવસોના દિવસો સુધી હિંદના સંબંધમાં ચર્ચા કરતા, હિંદી રાષ્ટ્રીય મહાસભાની લડતમાં તેઓ ખૂબ રસ ધરાવતા હતા.

વિશ્વયુદ્ધની જ્વાળાઓ ભભૂકી ઊઠી. હિટલર એક પછી એક પ્રદેશો, વિજળીક ઝડપે હાથ કરતો ગયો અને એ વિજયથી પ્રેરાઈને, જાપાને પણ અજોડ ગણાતી બ્રિટિશ તાકાતને સખ્ત ફટકો લગાવ્યો. બ્રિટિશ પ્રદેશો છોડતા ગયા અને હિંદી ફોજોને જાપાનને શરણે મૂકતા ગયા.

જાપાનને શરણે પડેલી હિંદી ફોજોનો, હિંદની આઝાદી માટે, બ્રિટિશ સત્તા સામે લડવાનો ઉપયોગ કરી શકાય તો? જાપાન એ ફેાજોને જરૂરી સહાય આપે તો અને આઝાદ હિંદ અને જાપાન ભવિષ્યમાં મિત્રો બનીને રહે એ પૂર્વની શાંતિને માટે જરૂરી છે એવી કલ્પના રાસબિહારી ઘોષને આવી અને તરત જ, જાપાનના વરિષ્ટ મંડળોનો સંપર્ક સાધ્યો.

એના પરિણામે કર્નલ મોહનસિંહની સરદારી નીચે, પહેલી આાઝાદ હિંદ ફોજની રચના થઇ. પણ એ ખાઝાદ હિંદ ફોજ કાંઈ પણ કરે તે પહેલાં તો તેનું વિસર્જન થયું.

નેતાજી સુભાષચંદ્ર બોઝને બર્લિનમાંથી બોલાવીને, તા. ૪ થી જુલાઈ ૧૯૪૩ ના રોજ પૂર્વ એશિયાના હિંદીઓનું નેતૃત્વ રાસબિહારી ઘોષે તેમને સુપ્રત કરીને નિરાંતનો શ્વાસ લીધો. નેતાજીમાં તેમણે ભવ્ય સ્વપ્નું નિહાળ્યું. એમની આશાઓ, કલ્પનાઓ નેતાજીમાં મૂર્ત થતી જોઈ.