પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦
નેતાજીના સાથીદારો
 


નેતાજીના આગમન સાથે જ, પૂર્વ એશીઆના હિંદીઓની પ્રવૃત્તિને નવો ઝોક આવ્યો. રાસબિહારી ઘોષની દોરવણી હેઠળ નેતાજીએ, આઝાદ હિંદ ફોજની નવેસરથી રચના કરી.

તા. ૨૧ મી ઓક્ટોબર ૧૯૪૩ ના દિવસે, નેતાજીએ આઝાદ હિંદની કામચલાઉ સરકારની સ્થાપનાની જાહેરાત કરી. એ સરકારના સર્વોચ્ચ સલાહકાર તરીકે સ્વ. રાસબિહારી ઘોષની પસંદગી કરવામાં આવી.

સ્વ. રાસબિહારી ઘોષે જે ભૂમિકા તૈયાર કરી હતી, એ ભૂમિકા પર, નેતાજી સુભાષ બોઝે ઇતિહાસ સર્જ્યો. નેતાજી હરેક મહત્ત્વના પ્રસંગે, નિર્ણય કરતાં પહેલાં સ્વ. રાસબિહારી ઘોષની સાથે મંત્રણા કરતા. નેતાજી અને જાપાનનાં વરિષ્ઠ મંડળ વચ્ચે જે સંબંધ સ્થપાયો હતો તેની પાછળ સ્વ. રાસિબહારી ઘોષાનો પુરુષાર્થ હતો.

આઝાદ હિંદ સરકારના નેતૃત્વ હેઠળ હિંદીઓ, સ્ત્રી–પુરુષો અને બાળકો પણ બલિદાન આપવાને જમા થયાં. આઝાદ હિંદ ફોજની તાકાત વધુ ને વધુ સંગીન બનતી ગઈ, જાપાન આઝાદ હિંદ ફોજના સૈનિકોની તાલીમ માટે શસ્ત્ર પૂરાં પાડવા લાગ્યું. આઝાદ હિંદ ફોજના સૈનિકોની તાલીમ માટેની છાવણી પણ ઉઘડવા લાગી.

હવે માત્ર આક્રમણ કરવા માટેના જરૂરી હુકમની જ રાહ જોવાતી હતી. ત્યાં અગત્યના કામસર નેતાજી સાથે ટાકીઓ જતાં વિમાનને અસ્માત નડ્યો અને સ્વ. રાસબિહારી ઘોષ, એ અકસ્માતમાં મૃત્યુ પામ્યા. જે ગુલાબી સ્વપ્નની તેઓ ઝંખના કરતા હતા. તે સ્વપ્ન જ્યારે આકાર લેતું હતું. ત્યારે, તેમણે આંખ મીંચી.

ને હિંદની આઝાદીનો એક અણનમ યોદ્ધો, જંગ ખેલતાં ખેલતાં મૃત્યુને ભેટ્યો.