પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦
નેતાજીના સાથીદારો
 

આવી પડ્યું. ૨૧ મી ઓક્ટોબર ૧૯૪૩ સુધી શ્રી. સહાય એ સ્થાન પર રહ્યા.

નેતાજીના આગમન પછી પૂર્વ એશીઆના હિંદીઓમાં ભારે ઉત્સાહ પ્રગટી નીકળ્યો. આઝાદીનો આતશ જાગ્યો હતો અને એ ઉત્સાહને વ્યવસ્થિત બનાવવા અને વ્યવસ્થિતપણે આઝાદીનો જંગ ખેલી શકાય તે માટે, નેતાજીએ. આઝાદ હિંદની કામચલાઉ સરકારની સ્થાપના કરી ત્યારે હિંદીઓના ઉત્સાહને કોઈ સીમા ન હતી. નેતાજીએ શ્રી. સહાયને પ્રધાનમંડળના મહામંત્રીનું સ્થાન આપ્યું.

નેતાજી સુભાષ બોઝ પૂર્વ એશીઆમાં આવ્યા અને હિંદીઓનું નેતૃત્વ ધારણ કર્યું તે પહેલાં એટલે ૧૯૩૯માં જ્યારે વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યુંં, ત્યારથી શ્રી. સહાય હિંદની આઝાદી હાંસલ કરવા માટેના કાર્યમાં સહાય આપવાને નવી લડતની વ્યૂહરચના કરી રહ્યા હતા. એ લડતમાં પરદેશોની જરૂરી સહાય મેળવવાની તેમની યોજના હતી અને જે રાષ્ટ્રોને બ્રિટિશ શાહિવાદ, વિશ્વશાંતિ માટે ખતરનાક હોવાની ખાત્રી થઈ ચૂકી હતી તે રાષ્ટ્રોને, હિંદની સહાયતા માટે અપીલ કરવામાં આવી હતી. જાપાન અને ચીનમાં વસતા હિંદીઓને સંગઠ્ઠીત કરવાનો તેમણે પુરુષાર્થ કર્યો અને જાપાનને પણ તેના પોતાના જ હિતને ખાતર આઝાદ હિંદની આવશ્યકતા સમજવાની અપીલ કરી. આ અપીલ સફળ થઈ. ઠામ ઠામથી શ્રી. સહાયને ઉત્સાહભર્યો જવાબ મળ્યો. બ્રિટિશ સામ્રાજ્ય સામે જાપાન વર્ષોથી દાંત કચકચાવીને બેઠું હતું, એટલે એને તો જે તક જોઈતી હતી એ તક મળી ગઈ. તેણે હિંદની આઝાદી માટેની લડાઈને સંપૂર્ણ સહાય આપવાનો નિર્ણય જાહેર કર્યો, જાપાની અખબારોએ શ્રી. સહાયની અપીલને ખૂબ જ અગત્ય આપ્યું.