પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦
નેતાજીના સાથીદારો
 

એ ફોજ જાપાનની શોષણનીતિ આગળ નમતું આપે, તો એમાં ભાંગફોડ કરી તેને છિન્નભિન્ન કરી નાખવાનો મેં નિર્ણય કર્યો હતો.

મેં સુભાષચંદ્ર બોઝને હિંદમાં કદી જોયા નહોતા અને એમની પ્રવૃત્તિ વિષે કશું સાંભળ્યું નહોતું, પણ મલાયામાં જો એમનાં ઘણાં ભાષણો સાંભળ્યાં હતાં. એની મારા પર સારી અસર થઈ હતી. એમનાં ભાષણોએ અને વ્યક્તિત્વે મારા પર સારી છાપ પાડી હતી, તેઓએ અમારી સમક્ષ હિંદનું સાચું ચિત્ર રજૂ કર્યું હતું અને પહેલીવાર હિંદીની દૃષ્ટિએ મેં હિંંદ જોયું હતું. શ્રી. સુભાષબાબુની ભક્તિ, સ્વાર્થત્યાગ, નિખાલસતા તેમ જ જાપાનને સહેજ પણ નમતું આપવાની એમની ‘ના’ એ મારા પર સારી અસર કરી હતી.

અમને ગમે કે ન ગમે, જાપાનિઝોએ હિંદમાં આવવાનો નિશ્ચય કર્યો હતો. જાપાનની આગેકૂચને બ્રિટિશ દળો થંભાવી શકે એમ હું માનતો નહોતો. હિંદની ભૂમિ પર યુદ્ધ થવાની તમામ શક્યતા મને લાગતી હતી.

મલાયા પરનું આક્રમણ મેં જોયુ હતું. હિંદમાં એનું પુનરાવર્તન હું માગતો નહોતો, મલાયામાં લાચાર, નિ:સહાય, યુદ્ધકેદી તરીકે પડી રહું, એના કરતાં મારા દેશના સ્વમાન, માલ મિલકત અને જીવનની રક્ષા માટે, હાથમાં રાઈફલ લઈને હું લડું, તો એથી હું રાષ્ટ્રને વધુ ઉપયોગી થઈ શકીશ, એમ હું માનતો હતો.

આઝાદ ફોજમાં મેં એવા માણસોની ભરતી કરી હતી કે જેઓ જાપાનિઝો બેવચની નીવડે તો પણ એમની સામે લડવા તૈયાર થાય. આ હકીકત ખૂદ ફરિયાદ પક્ષના સાક્ષીઓએ પૂરવાર કરી છે. આને માટે કોઈ પણ યુદ્ધકેદી પર દબાણ લાવવાના આરોપનો હું ઇન્કાર કરું છું. આ માટે દબાણ કરનાર અફસરોને સખત શિક્ષાની ચેતવણી મેં ખાપી હતી.