પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શાહનવાઝખાન
૪૧
 


અમારા નેતાજી સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજમાં જે કોઈ માણસ આત્મભોગ આપવા તૈયાર ન હોય, તેઓને ફોજ છોડી જવાની છૂટ આપી હતી. આઝાદ ફોજમાં જોડાનારાઓને ભૂખ, તરસ, કૂચ અને મૃત્યુનો સામનો કરવાની ચેતવણી અપાઈ હતી.

મેં મારી આંખે દૂરપૂર્વના હિંદીઓને આઝાદ ફોજ માટે સર્વસ્વ અર્પતા જોયા હતા. કેટલાક તો સમગ્ર કુટુંબો સહિત જોડાયા હતા અને દેશને માટે ફકીર બની ગયા હતા.

અમને સાચા નેતા મળ્યા હતા. જ્યારે હિંદનાં કરોડો ગરીબ, નિઃશસ્ર અને લાચાર લોકો માટે આ નેતાએ આત્મભોગ માગ્યો ત્યારે કોઈ પણ સ્વમાનશીલ હિંદી એટલું ત્યાગ કરવાની ના પાડી શકે એમ નહોતું. મને એક સાચો નેતા મળ્યો હતા અને મેં એમને અનુસરવાનો નિર્ણય કર્યો હતો.

મારા જીવનનો આ એક મહાન નિર્ણય હતો. બ્રિટિશ હિંદી લશ્કરમાં સેવા બજાવતા મારા સગાઓ સામે લડવાનો આ સવાલ હતો. મને ખાતરી હતી કે, તેઓ મારી દૃષ્ટિએ આ વસ્તુ કદી પણ જોઈ શકે એમ નથી.’

લશ્કરમાં ભેદભાવ ભરેલી નીતિ વિષે તેઓએ લાંબુ નિવેદન કર્યું હતું. ત્યારબાદ વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, જ્યારે હું અંગ્રેજોના હાથે શોષાઈ રહેલા અને ભૂખે મરતા કરોડો મારા બાંધવોનો વિચાર કરતો હતો, ત્યારે મને આ શાસનપ્રથા સામે તિરસ્કાર થતો. આ શાસનપ્રથાએ ઇરાદાપૂર્વક જનતાને અભણ અને અજ્ઞાન રાખી હતી. આ અન્યાય અને અસમાનતા નાબૂદ કરવા મેં મારું સર્વસ્વ-મારું જીવન, ઘર, કુટુંબ અને એની પ્રણાલિકા—હોમવાનો નિર્ણય કર્યો હતો.