પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪
નેતાજીના સાથીદારો
 

લડતી અહિંસક ફોજની કુરબાનીના સમાચારો મળતા હતા. દેશમાં સરકારી બંદુકોની ગોળી સામે પોતાના પ્રાણ આપતાં બાળકોની કહાણીઓ પણ અમે સાંભળતા હતા અને હર્ષથી નાચી ઊઠતા હતા. આનંદ અમારા રોમેરોમમાં વ્યાપી જતો હતો.

તમને પહોંચવાની અમારી ઉમેદ હતી. દિલ્હીના લાલ કિલ્લા પર કોમી નિશાં ફરકાવવાની અમારા નેતાજીની આજ્ઞા હતી, પણ અમે તમને પહોંચી શક્યા નહિ, ન પહોંચી શક્યા એનું કારણ અંગ્રેજોની તાકાત નહોતી. અમને રોકનારી શક્તિ તો બીજી હતી.

સિંગાપુરથી જ્યારે અમે ઉપડ્યા, ત્યારે જ નેતાજીએ અમને કહ્યું હતું, તમારા માર્ગમાં મોટી મુશીબતો પડેલી છે. મારી પાસે ભૂખ, તૃષા અને મુશ્કેલીઓ, સિવાય બીજું કાંઇ નથી: તમે મને લોહી આપો, હું તમને આઝાદી આપીશ.’

ને અમે વચન આપ્યું હતું જો અમારા લોહીથી અમારો દેશ હિંદુસ્તાન આઝાદ થાય તો અમે લોહીની નદીઓ વહાવીશું.’

અમે આપેલા વચનનું અમે પાલન પણ કરી બતાવ્યું, ઇમ્ફાલ અને કોહીમામાં જ્યારે અમે જંગ ખેલી રહ્યા હતા ત્યારે સહુની, કોઈ જાતના કોમી ભેદભાવ વિના સહુના રક્તની ભેગી ધારા વહી રહી હતી. હિંદુ શું કે મુસ્લિમ શું કે શીખ શું? સૌ ઘાયલ સૈનિકોનાં રક્ત એક જ પ્રવાહમાં વહેતાં હતાં. આઝાદ ફોજના સૈનિકોએ પોતે હિંદુ છે કે મુસ્લિમ છે એનો ક્યારેય વિચાર કર્યો નથી. સદાકાળ પોતે હિંદી જ છે એવો ખ્યાલ તેમના દિલ અને દિમાગમાં રમત રહ્યો છે.

અમે આઝાદ હતા; નેતાજીએે અમને જણાવ્યું હતું કે અમે સૌ એક જ માતાના સંતાન છીએ. મુસ્લિમોનું માદરે વતન અને હિંદુઓની ભારતમાતા એક જ છે: ધર્મના ઝઘડા તો અંગ્રેજોએ ઊભી કરેલી એક ભૂતાવળ છે.