પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨
નેતાજીના સાથીદારો
 

બ્રિટિશરોને વફાદાર રહેવાના કસમ લીધા છે, આવા હિંદીઓને જીવતા રહેવા દેવાને તેઓ તૈયાર નથી. મેં તેમને એ કસમ અંગે સ્પષ્ટતાથી વિગતવાર સમજ આપી અને જણાવ્યું કે હિંદી સૈનિકોના ગુના માટે સામાન્ય માર્ગ તો તપાસ કોર્ટ બેસાડવાનો છે અને હું ઊંડો ઊતરીને તપાસ કરીશ અને જો તપાસમાં ગુનો ગંભીર પ્રકારનો જણાશે તો હું જાતે તેમને તમારા હવાલે કરીશ. તેઓ સંમત થયા અને હું ૨૩ જણાને સલામત રીતે પાછો લઈ આવ્યો.

ત્રીજો તબક્કો: નેતાજીના આગમન પછીનો છે. આ અંગે મેજર જનરલ શાહનવાઝખાને લશ્કરી અદાલત સમક્ષના પોતાના નિવેદનમાં પૂરતું કહ્યું છે. તેઓ કહે છે કે ‘હું સૈનિક હતો અને એક વખત મેં જે નિર્ણય કર્યો તેને વળગી રહેવાનો અને તે મુજબ છેલ્લે સુધી લડવાનો મારો નિશ્ચય છે.’

૧૯૪૭ના સપ્ટેમ્બર માસમાં નેતાજીએ મને આઝાદ હિંદ ફોજના ચુનંદા સૈનિકોની ફોજના વડા તરીકે પસંદ કર્યો અને હિંદની ભૂમિ પર ધસી જવાને વિદાય આપી. એ ટુકડીનું નામ ‘સુભાષ બ્રીગેડ’ અપાયું. આ બ્રિગ્રેડે આરાકાન, હાકા, ફાલમા અને કોહીમાના વિસ્તારમાંનો જંગ ખેલ્યો હતો.

ફેબ્રુઆરી ૧૯૪૫માં જ્યારે વડું મથક પીનામા ખાતે હતું ત્યારે નેતાજી ત્યાં પધાર્યા હતા અને મને જણાવ્યું હતું કે આઝાદ હિંદ ફોજની નં. ૨ ડિવિઝન પોપા વિસ્તાર તરફ આગળ વધી રહી છે. પણ કમનસીબે ડિવિઝનના કમાન્ડર કર્નલ અઝીઝ એહમદ હવાઈ હુમલામાં ઘાયલ થયા છે. તેથી તમારે તેનો ચાર્જ લેવો. મેં એનું પાલન કર્યું, પણ ૧૯૪૫ના એપ્રિલમાં મારે પેગુ પાછા ફરવું પડ્યું, ત્યાં મને ગીરફ્તાર કરવામાં આવ્યો.

નેતાજીના બહાદુર સાથીદારની આ જ્વલંત અને તેજસ્વી કથા છે.