પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪
નેતાજીના સાથીદારો
 


વાતાવરણમાં ગાંભીર્ય છવાયું હતું. હિંદી નારી, નારીદેહને સુકોમળ અને સુયોગ્ય એવો પહેરવેશ ત્યજીને આજે, હાથમાં બંદૂક ઉઠાવીને, લશ્કરી ગણવેશમાં સજ્જ થઈ ઊભી હતી.

આકાશમાં, દેવગણો જાણે આ ભવ્ય દૃશ્ય નિહાળવા, એના પુર આશીર્વાદ ઉતારવાને એકત્ર થયા હતા.

તા. ૨૨ મી ઓક્ટોબર ૧૯૪૭નું એ યશોજ્જ્વલ પ્રભાત હતું, ‘ઝાંસીની રાણી રેજીમેન્ટ’નો ઉદ્‌ઘાટનવિધિપૂર્વેનું એ મંગલાચરણ હતું.

એ સાંજે નેતાજીએ રેજીમેન્ટની વિધિસરની ઉદ્‌ઘાટન ક્રિયા કરી ત્યારે, જગતના ઇતિહાસમાં એક અપૂર્વ એવા પ્રસંગનું આલેખન થયુ. જગતમાં, કોઈપણ ગુલામ દેશની નારીશક્તિએ, વ્યવસ્થિત લશ્કરી તાલીમ હાંસલ કરીને, દેશને ગુલામીમાંથી મુક્ત કરવાને હાથમાં હથિયારો ધારણ કર્યાનો બનાવ બન્યો નથી. હિંદી નારીનું એ સદ્‌ભાગ્ય હતું કે એણે જગતને, નારીશક્તિના, રણચંડી સ્વરૂપનાં દર્શન આપ્યા.

એ છાવણીનું સૂકાન કર્નલ લક્ષ્મીને સુપ્રત થયું. નેતાજીના વડપણ નીચે સ્થપાયેલી આઝાદ હિંદની કામચલાઉ સરકારના કર્નલ લક્ષ્મી એક અગ્રણી સભ્ય હતાં. એણે પોતાની શક્તિના, બલિદાન અને સાહસનો જગતને જે પરિચય આપ્યો છે તેવો પરિચય, ભાગ્યે જ બીજી કોઈ યુવતીએ આપ્યો હશે.

ત્રીસ વર્ષની એ સૌન્દર્યમૂર્તિ લક્ષ્મી, મદ્રાસ પ્રાન્તના વતની છે. એના દેહમાં બ્રહ્માએ જાણે ખોબલે ખોબલે સૌન્દર્ય ભર્યું છે, માત્ર સૌન્દર્ય જ નહિ પણ એનાં બુદ્ધિપ્રભા અને તેજસ્વી વ્યક્તિત્વ, પ્રથમ દૃષ્ટિએ જ જોનારને ચક્તિ કરે તેવાં છે. એનાં નયનોમાં તેજનો ચમકાર છે. દાડમની કળી સમી સ્વચ્છ અને સફેદ દંતાવલી વચ્ચે, જ્યારે એ હાસ્યનાં મોતી વેરે છે