પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦
નેતાજીના સાથીદારો
 


સૌન્દર્ય જેના દેહ પર પૂર્ણપૂણે વિકસી રહ્યું છે, યૌવન જેના અંગે અંગે ડોકિયા કરી રહ્યું છે, એવી રૂપગર્વિતા સમી આ બહાદુર બાળાને ઇન્ટરમાં ઉત્તિર્ણ થયા પછી અનેક યુવાનો પોતાની જીવનસંગિની બનાવવાને તલસતા હતા. કેટલાયે સનંદી નોકરો તેને પ્રાપ્ત કરવાને આતુર હતા, પણ લક્ષ્મીનું દિલ તેઓ કોઈ જીતી શક્યા ન હતા. લક્ષ્મીની માતા પોતાનાં સંતાનોના લગ્નના સંબંધમાં કોઈ જ જૂનવાણી ખ્યાલ ધરાવતાં નથી. પુત્રીને પોતાને જ, તેમનો પતિ પ્રાપ્ત કરી લેવાની અને તેની પરીક્ષા કરવાની છૂટ હતી : એટલે મોટી પુત્રી મૃણાલિનીએ તો પોતાના પતિની પસંદગી કરી લીધી હતી. લક્ષ્મીને પણ તેમ કરવાની છૂટ હતી. એટલે તેને પામવાને, ભિન્ન ભિન્ન યુવાનો એની પાછળ ઘૂમતા. એમાં એની કોલેજના પ્રોફેસર પણ હતા. લક્ષ્મીને પામીને જીવન ધન્ય બનાવવાને તેઓ ઉત્સુક હતા.

લક્ષ્મી લગ્નબંધનમાં જકડાઈ જવાને તૈયાર નહતી, એના દિલને જીતી લે તેવો કોઈ યુવાન હજી એને પ્રાપ્ત થયો નથી એટલે એણે તો વધુ અભ્યાસ ચાલુ રાખ્યો અને મેડિકલ કૉલેજમાં દાખલ થઈ. કોલેજનો અભ્યાસ આગળ વધતો હતો ત્યાં એના દિલ પર ચોટ લાગી. એની હૃદયવીણાના તાર પર એક યુવાન વિમાનીની અંગુલિનો સ્પર્શ થયો અને લક્ષ્મીની હૃદયવીણાના તાર ઝણઝણી ઊઠ્યા, પ્રેમ જાગૃત થયો. એ બેંગલેારનો યુવાન હતો. લક્ષ્મી પ્રત્યે એ આકર્ષાયો હતો. અને તેને પામવાની જે સ્પર્ધા થઈ રહી હતી તેમાં એ વિજય પામ્યો.

લક્ષ્મીનો પ્રવાસ શોખ તો કોઈ ગજબનો હતો, અત્યાર સુધી તેણે મોટર દ્વારા, ટ્રેન દ્વારા ખૂબ પ્રવાસ ખેડ્યા હતા, પણ આ યુવાન વિમાનીએ તેને વિમાનના પ્રવાસ તરફ આકર્ષી.