પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નેતાજીના સાથીદારો
૭૮
 

લક્ષ્મી પર બર્મા સંરક્ષણ ધારા હેઠળ એક નોટિસ બજાવવામાં આવી. તેમને રંગુન છોડીને કાલ્વો ચાલ્યા જવાનું ફરમાન હતું. પણ ડૉ. લક્ષ્મીએ ફરમાનને પડકાર દીધો. ‘જો મને રંગુનમાંથી દૂર કરવી હોય તો, જગતના બીજા કોઈ પણ પ્રદેશ કરતાં હું મારી માતૃભૂમિમાં જ જવાનું વધુ પસંદ કરું છું.’

એના જવાબમાં ડૉ. લક્ષ્મીને બીજે દિવસે એક વધુ નોટિસ મળી અને એ જ દિવસે સવારે તો, ડૉ. લક્ષ્મીના મકાન પાસે એક લશ્કરી લોરી આવીને ખડી થઈ; ડો. લક્ષ્મીના વિરોધ છતાં તેને બળજબરીથી ઉઠાવીને લૉરીમાં નાંખવામાં આવી અને નજીકના વિમાની મથકે મૂકી દેવામાં આવી. થોડીક પળો પછી એને એક વિમાનમાં ઉપાડવામાં ખાવી. ત્રણસો માઈલનો પ્રવાસ કર્યાં પછી વિમાન મીકતીલા જઇ પહોંચ્યું. લક્ષ્મીને ત્યાં ઉતારવામાં આવી, એને લઈ જવાને ત્યાં મોટર તૈયાર હતી. સો માઈલના મોટરના પ્રવાસ પછી તેને કાલ્વા ખાતે લઈ જવામાં આવી.

લક્ષ્મીને રંગુનમાંની પ્રવૃત્તિઓથી ગમે ત્યારે પણ પોતાની પર લશ્કરી સત્તાવાળાઓની ખફગી ઉતરશે જ એવો ભય તો પહેલાંથી હતો જ. એટલે આઝાદ હિંદ ફોજમાંના પોતાના મિત્રોને જ્યારે છેલ્લી મળી, ત્યારે પોતાની પાસેની હીરામાણેકજડિત વીંટી સ્મરણચિહ્ન તરીકે આપી હતી.

વિદાય થવાની આગલી રાત્રે મિત્રોએ પ્રશ્ન કર્યો, હવે આપણે પાછાં ક્યારે મળશું ?

એ પ્રશ્ને લક્ષ્મીના ગળામાં ડૂમો ભરાઇ આવ્યો. જે મિત્રો સાથે મળીને હિંદને આઝાદ કરવા માટે જંગ ખેલી રહ્યાં હતાં,