પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૦
નેતાજીના સાથીદારો
 

એ અવાજની સત્તાવાળાઓ પર અસર થઈ. એક દિવસ લક્ષ્મીને લઈને એક વિમાન કલકત્તાના વિમાનઘર પર ઊતર્યું. ગણવેશમાં સજ્જ થયેલી લક્ષ્મીએ વિમાનમાંથી ઉતરતાં જ ‘જય હિન્દ’નો ઉચ્ચાર કર્યો અને સીધા નેતાજીના નિવાસસ્થાને જઈને નેતાજીની તસ્વીરને સલામી આાપી, ત્યાંથી સીધી જ પોતાની માતા શ્રી. અમ્મુ સ્વામીનાનથને મળવા દિલ્હી પહોંચી ગઈ.

લક્ષ્મી ભાષણોમાં માનતી નથી. ક્યારે ય એણે વ્યાખ્યાનો આપ્યાં નથી. મૂંગા મૂંગા એણે કાર્ય જ કર્યું છે. એ કાર્ય માં માને છે, હિંદમાં જ્યારે અખબારોએ તેનો પીછો પકડ્યો, ત્યારે એણે માત્ર એટલું જ કહ્યું હતું કે ‘હું તો નેતાજીની એક અદના સૈનિક છું, નેતાજી સમક્ષ લીધેલી પ્રતિજ્ઞા હજીયે મારા માટે કાયમ છે. આઝાદીની લડતમાં હું મારો હિસ્સો આપીશ.’

હિંદમાં આવ્યા પછી લક્ષ્મીના બીજા પતિ વિષે કાંઈ જ જાણવા મળ્યું નથી. સીંગાપુરમાં પણ તેના પતિ તેની સાથે જ હતા કે કેમ એ પણ જણાયું નથી, પણ હિંદમાં આવ્યા પછી કેપ્ટન સહગલ સાથે તેનાં લગ્ન થવાનાં છે એવી અફવાએ જોર પકડ્યું, ત્યારે લક્ષ્મીએ માત્ર તેની ઉપેક્ષા જ કરી હતી.

હિંદની સપૂત નારીની આ એક ઉજ્વલ કથા છે.