પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
“ગજલું જોડીશ મા!”
93
 

અલારખનો સંબંધ મારાથી ન ભુલાય.”

ઓસમાને ટપ્પો ચલાવ્યો ત્યારે નિરંજને પૂછ્યું: “કાકા, કેમ આજ તમે પોતે ઊઠીને ટપ્પો જોડ્યો? અલારખ નથી ?'

"અલારખો નથી, ભાઈ !”

“ક્યાં ગયો છે ?"

"બીજે ક્યાં ? અલ્લા કને.”

“શું બોલો છો ? ક્યારે ?”

“ગઈ કાલ પરોઢિયે.” બોલતાં બોલતાં બુઢા ઓસમાને ખોંખારા ખાધા; ઘોડાને જરા વધુ ડચકારા કર્યા. નિરંજનને સમજાઈ ગયું: બુટૂઢો ઓસમાન પુત્રશોકના આવેશને દબાવી રાખવાનું છલ કરતો હતો.

શો રોગ હતો વગેરે વિગતો ન પૂછવાનું જ નિરંજને ઉચિત માન્યું. કાલે જ જેનો જુવાન દીકરો ફાટી પડ્યો છે તેને આજે તો મજૂરી પર ચડી ગયો દેખી નિરંજનને પોતાની બાબતમાં શરમ ઊપજી. રેવાના મૃત્યુએ કેટલાક દિવસ સુધી એના વાચનમાં વિક્ષેપ પાડ્યો હતો. આજે આ બુઢ્ઢાને દીકરાની મૈયત પર બે દિવસનો પણ શોક ન પોસાય તેવી હાલત હતી. શોક, વિલાપ, આંસુ, આપ્તસ્નેહનો ચિત્તભ્રમઃ વિશ્વના રસસાહિત્યમાં જ્વલંત ભાવે વર્ણવાતા એ સહુ ભાવો, કાલિદાસનો કીર્તીકલશ એ અજવિલાપ, ભવભૂતિની કાવ્યકલગી એ રામવિરહની કવિતા – એ સર્વ તો સમૃદ્ધિવંતોના વૈભવો છે; અમીરોનાં એ અમનચમનો છે.

ઓસમાને ટપ્પો ચલાવતાં કહ્યું: “નાનકડો છોકરો કે કે બાપા, લાવો હું ગાડીએ જાઉં. પણ મેં કહ્યું કે, ના ભાઈ, તને હજી દસ જ વરસ થયાં છે, તારે હજી બે વરસની વાર છે. ને હું જાઉં તો દુઃખ થોડુંક વિસારે પડે. કેમ ખરુંને, ભાઈ?”

ડોસો નિરંજનનો ગુરુ બનતો હતો.

"કામ છે ને ભાઈ, ઈ હરકોઈ વાતના દુઃખનું મારણ છે. કામ તો દુ:ખને ખાઈ જાય છે. હું તો અલારખાનેય કહ્યા જ કરતો કે ભાઈ,