પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
112
નિરંજન
 


માનો ઘણો આગ્રહ છતાં એણે બહુ ખાધું નહીં. પિતાએ બે-ત્રણ વાર માને પૂછ્યું: “આજ ભાઈ ભૂખ્યો કેમ ઊઠ્યો ?"

“કોને ખબર ? મારું રાંધણ ભાવતું નથી એમ તો નહીં હોય ?”

“અરે, શી વાત કરો છો તમે ?” શ્રીપતરામ ડોસા પત્નીની પાકકળા ઉપર તો મુગ્ધ અને મગરૂબ હતા, “તમારી રસોઈ તો માણસો કાંડાં કરડી કરડીને ખાતાં, ભૂલી ગયાં ?”

“એ જુવાનીના દહાડા તો ગયા.”

“પુત્રનીય જુવાની છે, સમજ્યાંને ? હજાર વિચારો ઘોળાતા હોય !”

આખી રાત પિતાએ જોયું કે નિરંજન હંમેશની નિરાંતે ઊંઘતો નથી. પ્રભાતની રાહ જોતાં જોતાં નિરંજને તોબાહ પોકાર્યું, ત્યારે માંડ માંડ ગાડી આવી પહોંચી.


24
નિરંજન નાપાસ

પૂર્ણિમાની સાંજે સૂર્ય અને ચંદ્રનાં તેજચક્રો ઉગમણા ને આથમણા આભને ઉંબરે સામસામી મીટ માંડીને થંભી રહે છે. નથી માલૂમ કે એ ઊભવામાં પરસ્પરની ઈર્ષ્યા છે ? વિજય-પરાજયનો યુદ્ધટંકાર છે ? મિલનની માધુરી છે ? વિદાયની મીઠી ગ્લાનિ છે ? શું છે ?

એ ગમે તે હો, પણ પૂર્ણિમાની સંધ્યાએ પૂર્વ-પશ્ચિમનાં ગગનઆંગણાંને અજવાળે ઓપતા આ બે તેજગોળાઓને નિહાળનારા કોઈ કવિ સરખી જ મનોવસ્થા તે દિવસે નિરંજનની થઈ ગઈ હતી.

એની એક બાજુ સુનીલાનું તેજ મારતું, સહેજ ઉગ્રતા દાખવતું શ્યામલ મુખમંડલ હતું. ને બીજી બાજુ સરયુનું શીતલ, ગૌર, સહેજ અશ્રુકણભીનું મોઢું હતું. ને નિરંજનના હિસાબે તો એ પ્રભાતનો સમય પણ