પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
114
નિરંજન
 

બોરડી છે. ચાલો, આપણે ત્યાં જઈ બોર પાડીએ.”

નિરંજને ચોમેર નજર કરી. એના હૃદયમાં ધ્રાસકો હતો.

“ચાલો, શું જુઓ છો? કોની રાહ જુઓ છો? સરયુ કંઈ નથી આવવાની.”

"મેં એ ક્યાં પૂછ્યું'તું?”

"પૂછવું પડે તે પહેલાં જ કહું છું. ચાલો, ડરો છો કેમ?”

"કોણ? ના. હું ક્યાં ડરું છું?” એ ઇનકારના શબ્દોનું ઉચ્ચારણ જ ડરથી ભરેલું હતું.

એ ક્ષોભ પામતો ઊઠ્યો.. ગજાનન ત્રણ બડૂકા લઈ આવ્યો. સુનીલા આગળ ચાલી. પાછળ નિરંજને પગલાં માંડ્યાં.

પણ નિરંજનની લાગણીઓ પવનઝપાટે ઝૂલતી કંપતી ઝાડની દાંડલીઓ જેવી દશામાં પડી ગઈ હતી. જે ભય અથવા સંકોચ મુંબઈમાં એણે નહોતો અનુભવ્યો તે આ નાના ગામની સીમમાં એની છાતી પર ચડી બેઠો.

એ ભય સુનીલાનો નહોતો, સરયુનો નહોતો, લોકોનો હતો. લોકોએ તો પોતાના કુતુહલનો પતંગ-દોર ક્યારનો મોકળો મૂકી દીધો હતો. દીવાનની મોટરમાં બેસી ગામની બજારમાં નીકળતો નિરંજન લોકોનું તો આંગળી ચીંધણું બની ગયો હતો. મોટર જ્યારે નીકળતી ત્યારે સામસામી બાજુએથી દુકાનદારો ખોંખારા ખાતા, મિચકારા પણ કરતા. વળી ઓસમાન ગાડીવાળાનો આગલા દિવસનો બનેલ કિસ્સો પણ ગામચર્ચાનો વિષય બન્યો હતો. ઓસમાનને ઉગારનાર એ બાઈ જ્યારે સ્ટેશને ઊતરી હતી ત્યારે પોલીસે એનાં નામઠામ પૂછવામાં સ્ટેશન પર એક તમાશો ખડો કરી નાખેલો. એટલે એવી જવાંમર્દ અને નફટ જુવાનડી કોણ છે, નિરંજનને ને એને શો સંબંધ છે વગેરે ચકચાર તો ચાલુ થઈ ચૂકી હતી તેમ જ ભોંયપત્રિકા અને દીવાલપત્રિકા લખવાની કળામાં કુશળતા ધરાવનાર ગ્રામબાળકોએ પણ રાત ખાલી જવા નહોતી દીધી. આ બધી લોકચર્ચા નિરંજનને માટે નવી હતી. ગામડાંની