પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નિરંજન નાપાસ
115
 

હૃદયસરલતા અને નિર્દોષતા વિશે વાંચેલાં કાવ્યોએ તેમ જ વાર્તાઓએ એને ભરમાવ્યો હતો, કે ગામડાનું જીવન શાંતિમય છે.

એ ગુલાબી કલ્પના ઊડી ગઈ. એણે લોકોની અધમતા ઉપર દાંત કચકચાવ્યા. એ ડર્યો. અત્યારે મને કોઈ સુનીલાની સાથે દીવાન-બંગલાની પાછળ બાજુએ બોર પાડવાની બાલિશ ચેષ્ટાઓ કરતો જોશે તો? તો હું ગામમાં પહોંચીશ તે પહેલાં તો કેટલીય વહેલી મારી ને સુનીલાની પરીકથાઓ રચાઈને ગામની ખડકીએ ખડકીએ ઘૂમી વળશે.

ને સાચોસાચ નિરંજન સુનીલાની જોડે ચાલ્યો તે નીરખતાંનીરખતાં ગામલોકો બાજુની સડક પરથી ચાલ્યાં જતાં હતાં.

"ચાલો ચાલો હવે, ત્યાં શું જોઈ રહ્યા છો?” એમ કહેતી સુનીલા પાછી ફરી ને તેણે ઓચિંતાની ઝપટ કરીને નિરંજનનું કાંડું પોતાના પંજામાં લીધું. લઈને એને બોરડીના ઝાડ તરફ ખેંચવા માંડી. દીપ્તિમય અને દર્પભરપૂર ચહેરે એ નિરંજનની સામે હસતી હતી.

લોકો જોતાં હતાં.

“છોડો, કૃપા કરીને છોડો.” નિરંજન એક બાજુથી રોમ રોમ ઓગળી જતો હતો ને બીજી બાજુથી લોકોની દૂરથી તાકતી આંખોના તાપમાં શેકાતો હતો. 'છોડો છોડો'ની આજીજી કરતો એનો સ્વર કંગાલ હતો, કરુણ હતો, કાયર હતો.

"પણ કેમ અચકાઈને બોલો છો? ચાલો!” સુનીલાએ જોરથી હાથ ખેંચી નિરંજનને પોતાના તરફ દોડાવ્યો.

“હં-હં-હં” નિરંજન કાકલૂદી કરતો હતો.

સુનીલાની સાડી હવામાં ફરફરી રહી. એણે નિરંજનને ચકરચકર ફેરવ્યો.

નિરંજનનું મોં ઊતરી ગયું. દીવાન-બંગલાના કમ્પાઉન્ડની નીચી દીવાલ ઉપર જોવા લોકો થંભ્યાં. બંગલામાંથી પણ માણસો ડોકાઈ રહ્યાં. સુનીલાએ હજુ હાથ છોડ્યો ન હતો. એણે નિરંજનને પૂછ્યું: “ધીમે ધીમે કેમ બોલો છો? મારા પર રોષ કેમ નથી કરતા? મારા હાથમાંથી