પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
118
નિરંજન
 

નહીં સુવાય – કાલનું પ્રભાત સ્વચ્છ ચોપડે શરૂ થવું જોઈએ.

તેણે સૂવાના ઓરડાનો દીવો સતેજ કર્યો. હૃદયના દીવાની પણ વાટ સંકોરી, જીવન-ચોપડામાં એણે ઝીણી નજર નાખી. પ્રેમની વિગતમાં એણે ગરબડગોટા જોયા.

સુનીલા માટે હું સાચે જ શું સ્નેહ ધરાવું છું? કઈ જાતનો એ પ્રેમ? શા માટે એ લાગણી? કયા સંજોગોએ જન્માવેલી? એ તે નરી બંધુતા હતી? મિત્રતા હતી? લગ્નવાંચ્છના હતી? – શી હતી એ લાગણી?

દરેક સ્નેહોર્મિ શું લગ્નના પ્રદેશમાં પહોંચાડનારી હોય છે? હરેક આકર્ષણ શું જીવનનાં જોડાણ માગનારું છે? કોઈ સુંદર છબી, કોઈ રંગભૂમિ પરની નટી, કોઈ અજાણી પરવિવાહિતા, કોઈ નમણી ગોવાલણ, અરે, ખુદ કોઈ મિત્રની ચારુશીલ રમ્ય પત્ની, એ બધાં શું મુગ્ધ બનાવે તો તેમાંથી લગ્ન સરજાવાય છે? લગ્નનો પ્રશ્ન – અરે, ઈશારો સુધ્ધાંય ઊઠે છે એમાંથી? નહીં જ નહીં.

ત્યારે શું એ બધી પ્રત્યે બહેનનો ભાવ જ જરૂરી છે? સુનીલાના ઉપર તે રાત્રિએ મેં મારી ઓરડીમાં ગદ્ગદિત સ્નેહાવેશો ઢોળ્યા હતા, તે શું બહેન રેવાનું સૂનું પડેલ સ્થાન પૂરનારી સુનીલાએ જગાડેલ હતા?

દંભ હતો એ તો. “બહેન” શબ્દે જે પાપોને ઢાંક્યાં છે' તે પાપોની સામે તો પેલો 'સરસ્વતીચંદ્ર' માંયલો મવાલી જમાલ પણ ભોંઠો પડે. 'બહેન' શબ્દની અમાપ બદનક્ષી થઈ ચૂકી છે. 'બહેન' શબ્દમાં બેસારેલો ભાવ સગી એક જ માતાના ઉદરમાં આળોટેલી બહેન પ્રત્યે જ શકય છે. એ પણ કોઈ કુદરતે મૂકેલો ભાવ નથી. સગાં બહેન-ભાઈ પણ પરણતાં, એવું ગત યુગના જગતની તવારીખો ભાખે છે. એટલે સગાં સહોદરો વચ્ચેનું ભાઈ-બહેનપણે પણ સમાજરક્ષાને કાજે ઘડાયેલા નિયમોના ફરજિયાત પાલનનું જ એક પરિણામ છે. એવી કોઈ કુદરતી રચના નથી. અગ્નિનો સ્વભાવ જ બાળવાનો ને પાણીનો સ્વભાવ જ ઠારવાનો એવો જ કોઈ ત્રિકાલાબાધિત ભાઈ-બહેનનો પ્રેમ કુદરતે નિરૂપ્યો નથી.