પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
152
નિરંજન
 

એક અપરાધી પોતાની સ્થિતિના બચાવને ખાતર અનેકના અપરાધો ઉઘાડા પાડે છે. પ્રોફેસરની બાતમીમાંથી તો વિદ્યાપીઠની રગરગમાં વ્યાપી ગયેલ સડાની બદબો ગંધાઈ ઊઠી. સિંધી, ગુજરાતી, દક્ષિણી અને યુરોપિયન, એવાં ચાર તડાં વચ્ચે પરસ્પર સંહારક બાજીઓ ખેલાઈ રહી હતી: પરીક્ષકોની નિમણુકો સીધી કે આડકતરી રીતે વેચાઈ રહી હતી અથવા વિનિમયનો ભોગ થઈ પડી હતી. પરીક્ષાપત્રોના પ્રશ્નો પણ નાણાં ખાતર અથવા લાગવગ ખાતર ફૂટી જતા હતા. એકેએક દિશામાં એકાદ કોઈ પક્ષના આધિપત્યની, વ્યક્તિહિત ખાતર ગોઠવાતી લાગવગની – એ તમામનો નિષ્કર્ષ કાઢીએ તો નર્યા દ્રવ્યોપાર્જનનાં જ વલખાંની – એક વિરાટ પ્રપંચમાળા વિદ્યાપીઠના પથ્થરે પથ્થરને આવરી પથરાઈ પડી હતી.

પોતાના જ મંદિરમાં વિદ્યા પોતે દાસી બની હતી. દેવમૂર્તિને ખાતર પૂજારીઓ નહોતા, પૂજારીઓને સારુ દેવમૂર્તિ હતી. આવું પાખંડ તો કોઈ ધર્માલયોમાં પણ નહીં હોય.

રજિસ્ટ્રારે કપાળે હાથ માંડ્યો. હકીકતોના ભારે એનું માથું નીકળી પડતું હતું. ઉલ્કાપાત મચાવવાનો એમનામાં ઉત્સાહ નહોતો. ચાળીસ વર્ષો સુધી વિદ્યાપીઠનો વહીવટ કરીને આજે એનાં પગલાં મૃત્યુ-સાગરના કિનારા તરફ વળતાં હતાં. એક ઊંડો નિશ્વાસ નાખવા ઉપરાંત શું કરવું તે એમની શ્વેત પાંપણો આડેથી એ ન જોઈ શક્યા.

'કોઈક, કોઈક નવચૈતન્ય મારી પછી ચાલ્યું આવતું હશે. નવરચના તો એનાથી જ થઈ શકશે.' એની ડોકી કરુણતાભરી ડોલવા લાગી. એણે આ કિસ્સા પૂરતું જ જે કંઈ કરવું ઘટે તેટલું કર્યું.

'નવું લોહી ! નવશક્તિ ! નવીન જોબન ! કોઈક આવો, ને આ વિરાટ પ્રપંચ-મંદિરનો ધ્વંસ કરો ! કેમ કે દેશની નવજુવાનીને એ રોળી રહેલ છે.' એવા ગુપ્ત મનોદ્દગારો એના મોંમાંથી નીકળી ઓફિસના કોટિ કોટિ રજકણોને કંપાવી રહ્યા.

યુનિવર્સિટીના કમિશનની તપાસનો મર્મતાંતણો સુનીલાની