પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવું લોહી !
153
 

જુબાનીમાં હતો. એ જુબાની ન હોત તો અપરાધી પ્રોફેસરનો વાળ પણ વાંકો ન થઈ શકત. બહુ તો એની તુલનાશક્તિનો દોષ નીકળત, પણ એના મેલા ઈરાદાની સાબિતી તો સુનીલાના શબ્દોમાંથી મળી. કમિશનના ફેંસલા ફરતો વિદ્યાર્થીઓના રોષ તેમ જ અસંતોષનો અને જાહેર પ્રજાની પ્રથમ પહેલી જાગૃતિનો હુતાશન જલતો હતો. એટલે ઢાંકપિછાડો અશક્ય બન્યો. જેઓ મામામાશીઓના હતા તેઓ સામેની હકીકતોને ભવિષ્યની તપાસ પર મુલતવી રાખી કમિશને હાથ પરના કિસ્સા પૂરતો ચુકાદો કડક આપ્યો. અપરાધી અધ્યાપકના નામ પર નાલાયકીની ચોકડી મૂકવામાં આવી.

આવા વિજય માટે અભિનંદનો આપવા આવનાર જુવાનોએ નિરંજનનાં નેત્રોમાં નીર જોયાં, મોઢા પર ગ્લાનિની વાદળીઓ દીઠી. એના હૃદયમાં વ્યથા ઊપડી હતી. પોતે ઉપાડેલી ઝુંબેશમાં મુખ્ય નિમિત્ત પોતાના જ હિતનું હતું, અને એક વિદ્યાગુરુની કારકિર્દી કીચડમાં રોળાઈ હતી. એ કમાઈ સુખપ્રદ કેમ હોઈ શકે? નિરંજને પોતાનું મોં છુપાવ્યું. એના હૈયા ઉપર મોટો બોજો પડ્યો.

નવીન સત્રના પ્રથમ દિવસે નિરંજનનો જીવન-ઉઘાડ અષાઢના પ્રથમ મેઘવર્ષણ જેવો થયો. ગમગીનીભર્યા એના મોંમાંથી વિદ્યાલયના ફેલો તરીકે પહેલું વ્યાખ્યાન 'યુનિવર્સિટી અને રાષ્ટ્ર' ઉપર રેલાયું.

પ્રથમ વર્ષનો એ ક્લાસ ચૌદ વર્ષના ટીણકા છોકરાઓથી છલોછલ હતો. કાઠિયાવાડ-ગુજરાતની નાનીમોટી હાઈસ્કૂલોના એ પુષ્પ-રોપા હતા. પ્રત્યેકના ચહેરા પર નવા જીવનની ઝલક હતી, પણ સાથોસાથ વિદ્યાના અંતિમ ધ્યેય વિશેની નરી મૂઢતા હતી. માનો ખોળો અને પારણાનું ખોયું હજુ તાજાં જ તજેલાં હોય તેવી તેઓની મુખમુદ્રાઓ હતી. કૉલેજ અને યુનિવર્સિટી, એ તો આ નિર્દોષોને મન કંઈનું કંઈ હતું.

તેવા કિશોર શ્રોતાઓને નિરંજને વ્યાસપીઠ પરથી વંદન કર્યું. એ વંદનમાત્રથી જ કિશોરોએ હાઈસ્કૂલ અને વિદ્યાલય વચ્ચેની ભેદરેખા પારખી અને વ્યાખ્યાનના પહેલા જ વાક્યને ઝીલતાં તેમનાં વદનો