પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
154
નિરંજન
 

લાલમલાલ બની ગયાં. એ વાક્ય આ હતું:

“હું તમને કેમ કરીને સમજાવું, મિત્રો, કે સરસ્વતીને ખોળે રમનારો હું પણ તમારામાંના પ્રત્યેકના જેવડો જ કિશોર છું ! મને તમારી બાળ-જમાતમાં ભેળવશો ? ચાર વર્ષ પહેલાં આંહીં આવી જે કંઈ મેં જોયુંજાણ્યું તેની પરીકથા તમે મને કિશોરભાવે તમારી કને કહેવા દેશો ?”

પ્રત્યેક શબ્દ મોતી સમ વિણાયો. પગના પછાડા, હાથના તાળોટા, સન્માનના ધ્વનિ, કશું જ ત્યાં નહોતું. હતું કેવળ રાતરાણીનાં પુષ્પોનું મૂંગું કૌમુદી-પાન.

– ને વર્ગની બહાર દીવાલની ઓથે ઊભી હતી સુનીલા.

વિશ્રામના અરધા કલાકમાં તો વિદ્યાલય મધપૂડા-શું બણબણી ઊઠ્યું. વધુમાં વધુ બણબણાટ પ્રોફેસરોના વિરામ-ખંડમાં મચી ગયો. ખિસકોલીના પુચ્છ જેવી ભરાવદાર મૂછોવાળા ધફડા પ્રોફેસરનો ધીંગો ઘાંંટો ચાલુ થયોઃ

“ડફોળ જોયો, ડફોળ ! પ્રસ્તુત વિષયને બાજુએ છોડી, હોસ્ટેલના રસોડાની હિંગભાજી ઉપર ભાષણ ભૂંક્યો. મેથ્યુ આર્નોલ્ડ કરતાં પાણીનાં માટલાંને એણે એકેડેમીનો જરૂરી વિષય બનાવ્યો. કેવો વાયડો... હો-હો-હો !"

ચોપડી મેજ પર પછાડી પછાડી એ પ્રોફેસર હસ્યા; હાસ્ય લંબાયું, ખાંસીમાં પરિણમ્યું. એના હૈયામાં હાંફણ ધમવા લાગી.

"સસ્તી સમૂહપ્રિયતાને ખાતર, સાહેબ ! ચીપ ડેમેગોગી....હી-હી-હી !" બીજાએ મર્મ કર્યો.

"ર્વિદ્યાર્થીઓ પૂછવા ગયા કે સાહેબ, કવિતા પર કયો વિવેચનગ્રંથ વાંચવો; તો જવાબ આપ્યો મહેરબાને, કે હાલ તુરત એક પણ ગ્રંથ ન વાંચતા. ગૂંચવાડે ચડશો." ત્રીજાએ મજાક કરી.

“બીજા સહુથી કંઈક જુદું કરી બતાવવું એટલે છોકરા ચકિત બની જાય ખરાને, સાહેબ !” ચોથાએ માનવ-સ્વભાવનું અવગાહન રજૂ કર્યું.