લખાણ પર જાઓ

પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
156
નિરંજન
 

ગણાતું. એને ફૂટી બદામ બરોબર બનાવી નાખનાર નિરંજન પર તો ચોપડીએ ચોપડીએ મારપીટ વરસાવવી જોઈએ !

પણ નિરંજનના ભરાવદાર દેહમાં પ્રોફેસરોએ નરી પશુતા નિહાળી. સરસ્વતીના એ દૂબળા આરાધકોએ નિરંજન સમા જડભરતની છેડતી અનુચિત માની લીધી. નિરંજન પણ થોડી વારે શાંતિથી ઊઠી ગયો.

“દયાજનક !” પેલા પૂજનીય વૃદ્ધ એક જ શબ્દમાં હજાર શબ્દોનો અર્ક નિચોવી આપ્યો.

વડીલના એ ઉદ્દગારમાત્રથી શિષ્યમંડલે વૈરતૃપ્તિ અનુભવી. એકે ઉચ્ચાર્યું. “ઓહો, કેવા ધીરગંભીર !"


35
જુવાનોનાં હૈયાંમાં

પ્રોફેસરોનું વાતાવરણ તો એને ગૂંગળાવી મારત, પણ જીવનભરી લહેરખી જુવાનોમાંથી આવી. પોતે ફેલો હોઈને કૉલેજના છાત્રાલયના નિરીક્ષક તરીકે પોતાને છાત્રાલયમાં જ રહેવાનું હતું.

મોડા ઊઠનાર વિદ્યાર્થીઓ જાગીને જોતા તો એકાદાની રૂમના મેજ પર ચોપડીઓ વ્યવસ્થિત કરેલી હોય, એનો લોટો અથવા પ્યાલો પાણીભર્યો મેજ પર મંડાયો હોય, ને ઉપર અક્કેક ફૂલ ચડ્યું હોય.

પૂછપરછ કરતાં પાડોશી છોકરા હાંસી કરે કે, “તારી સ્વપ્ન-પ્રિયા મૂકી ગઈ હશે !"

“તેં જ રાત્રિએ કોઈકની રાહ જોતાં કોઈકના સ્વાગત માટે એ ફૂલદાન શણગાર્યું હશે !"

પછી જાણ પડે કે સવારે વહેલા નિરંજન ઓરડીઓ જોવા ભમતા હતા, ને એમના હાથમાં આ ફૂલની ડાંખળી કોઈકે દીઠી હતી.