પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
180
નિરંજન
 

કપડાં ઉતાર્યા, ને પછી સુનીલા એને બોલાવી લાવી.

સુનીલાએ એને નિરંજનની પિછાન કરાવી: “આ મારા મિત્ર, હું તમને કહેતી હતી તે.”

"બેસારશો ? હું નાહી આવું.” નિરંજન જોડે વિનયવિધિ કર્યા બાદ એણે રજા માગી.

“હા. બેસશે.” કહી સુનીલાએ બાળકના પિતાનાં રૂમાલ-ધોતી સ્નાનાગારમાં મૂક્યાં. પછી પાછી આવીને જ્યાં પહેલાં બેઠી હતી ત્યાં જ બેસીને એ વાતો કરવા લાગી:

“એ એન્જિનિયર છે. અમારી ઓળખાણવાળા છે. દસ મહિના પર ઘરભંગ થયા. ઉપલે માળે રહેતા હતા. બાપુજીની જે હાલત બાએ કરેલી, તે જ હાલત એમની સ્ત્રીએ એમની કરી હતી. અમે દિવસરાત જોતાં અને સાંભળતાં.”

આટલી વાત કરે છે ત્યાં બીજા ખંડમાંથી એક નાના બાળકનું રડવું સંભળાયું, ને પેલો છોકરો બૂમ પાડતો આવ્યોઃ “બા, બેન ઊઠી છે.”

“દસ મહિનાની દીકરી પણ મળી છે મને” કહેતી, ભાવભરપૂર્ વદને સુનીલા ગઈ; નાની છોકરીને તેડીને પાછી આવી બેઠી.

"ભર્યો સંસાર !” નિરંજન ગળામાંથી ખૂતેલા સોયા ખેંચતો હોય તે રીતે શબ્દો બોલી શક્યો.

“ઊણો હતો તેટલો જ મેં પૂરી લીધો ને !”

"આપણે વિશે વહેમાશે તો નહીં ?”

"શાથી ?”

“બારણું તમે બંધ કર્યું હતું તેથી.”

“વહેમાવાની એને જરૂર નથી. હું જ એને આખી વાત રજેરજ કહી દેવાની.”

“એને કશું નહીં થાય ?”

“એ પ્રદેશ મેં એમને સોંપ્યો નથી.”