પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભર્યો સંસાર
183
 

"હું આવી ગયો છું.” એમ કહેતા ઇજનેર હાજર થયા. ખોળામાં પગ લોડાવી લોડાવી પોઢાડી દીધેલી નાની બાલિકાને સુનીલાએ પારણામાં સુવાડી દીધી, ને સહુ જમવા ગયાં.

કાચું પાકું ને દાઝ્યુંબળ્યું, પણ હવે તો સુનીલા પોતે જ રાંધતી.

“મારા હાથની સૌ પહેલી રસોઈ” કહી એણે નિરંજનને દાબી દાબી પીરસ્યું.

પુરુષે પણ મમતા બતાવી જમણમાં રસ રેડ્યો.

ને પછી મોડી વેળાએ સુનીલા નિરંજનને વળાવવા છેક એકલી નીચલા દાદર સુધી ઊતરી. પુરુષ ઊંચે જ ઊભો રહ્યો.

ક્યાં જશો ? હવે શું કરવું છે ? માફ કરજો – કે એવો કશો જ વિષય સુનીલાએ છેડ્યો નહીં.

નિરંજને વિચારી રાખ્યું હતું તે કશું જ બોલાયું નહીં કેમ કે બોલવાનો અવકાશ આપનાર એક પ્રશ્ન પણ સુનીલાના મોંમાંથી સર્યો નહીં.

નિરંજને ઊંચે નજર કરી.

સુનીલા બોલી: તમે કેટલા ભુલકણા છો ! ત્યાંથી કોઈ મારી ચોકી કરતું નથી – મેં તમને નહોતું કહ્યું ? જુઓ નિહાળીને.”

થોડી ક્ષણો બેઉ સામસામી નજર ફેરવી ખડાં થઈ રહ્યાં, પછી એકાએક સુનીલાએ કહ્યું: “જુઓ, નાની બેબી રડે છે. ચાલો, છેલ્લા પ્રણામ !”

નમન કરી એ ઉપર ચડી ગઈ.

નિરંજન ફૂટપાથ પરના પથ્થરોને પાછળ મૂકતો હતો ત્યારે નીચેની દુકાનમાંથી કોઈકે કહ્યું તે એણે સાંભળ્યુંઃ “અગાઉ વેશ્યાવાડો એક ઠેકાણે હતો, હવે માળે માળે પેઠો !”