પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બે ક્ષુધાઓ
185
 

આવેશ-સૃષ્ટિની અણસરખી વહેંચણ.

પેટની ભૂખ અને વાસનાની ક્ષુધા: બેઉ જન્મથી જ જીવતા જીવ જોડે જડાયેલી. છતાં પેટની ભૂખતરસનાં રહસ્યો ઉકેલવા દુનિયા બધી મચી પડી છે, ને વાસનાની જ્વાલાઓ સામે થોડાકે જ જોયું છે.

આ ખદબદતી દુનિયા: એના આંતરિક ખદબદાટ કેટલા હશે? કોણે નિહાળ્યા છે? સમાજજીવન શું મનુ મહારાજનાં શાસ્ત્રોને પાટે પાટે દોડી રહ્યું છે? એક પણ કુટુંબ હશે એવું?

છાપાવાળાની બૂમો પડી: 'ફલાણાની છોકરી લઈ ફલાણો પલાયન !' 'અમુકે પરણેલીને તજી નવું કરેલું લગ્ન !!' 'અમુકનું ત્રીજી વારનું પરણેતર.' 'કોઈકનો કોઈકે કરાવેલો ગર્ભપાત.'

અહાહા ! ટ્રામનાં સ્ટેશનો પર એ પુકારો કેવા મોહક બને છે ! ઉતારુઓના કાન પર, કૃષ્ણ-બંસી ધેનુઓને કાને જેવું વશીકરણ મચાવતી તેવું મચી જાય છે આ છાપાંનાં મથાળાંનું રોમાંચ. ઝટપટ પાકીટો ઊઘડી પડે છે. દોડતી ગાડીએ છાપાં ખરીદાય છે. એકના છાપામાં પાંચનાં મોઢાં ઝૂકી પડે છે.

ને ઓ પેલી દીવાલો ! તેના ઉપર ચિત્રપટનાં આકર્ષણો ! પેલી 'અવિરામ નટી-લીલા'ની ટિકિટબારીએ ચીંથરેહાલ પ્રેક્ષકોની ધક્કામુક્કી ! ખાલી પેટે, ખુલ્લા કલેવરે, રાતે સૂવાનું ઠેકાણું નથી છતાં એ દોડે છે. નટીઓનાં છલકતાં ખુલ્લાં શરીરો નીરખવા.

વાસનાની આ ક્ષુધા-જ્વાલા: તિરસ્કાર એને મિટાવશે નહીં: અવગણના એના પ્રસરતા દાવાનલને રોકી શકશે નહીં.

આટલું બધું ઊભરાય છે? ને હજુ વિદ્યાલયોના મહારથીઓ છોકરા-છોકરીની છૂટી શિક્ષણ વ્યવસ્થાની વાતો કરે છે ! હજુ શું પુરુષ-પુરુષ વચ્ચેના સ્નેહ-સંબંધો ઉપર સાત વર્ષની સજા તોળતો કાયદો ઊભો છે !

ભૂખમરાનું જગત આ વાસના-જગતની સરખામણીમાં નાનું નથી શું?