પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
192
નિરંજન
 

ડોસી ખચકાઈને ઊભાં. ડોસાએ પૂછ્યું: “કેમ થંભી રહ્યાં ?”

"બે દા'ડા પછી...”

“શા માટે ?"

“ભાઈ પાસે કશી ખરચી છે કે નહીં, તે જોવા તો દ્યો. આ વખતે નિસ્તેજ દેખાય છે.”

“વાંધો નહીં.”

“વાંધો કેમ નહીં ? સવારે શાકપાંદડું, તેલમરચું, કંઈક તો જોશે ને ?"

“એટલા માટે શું ચોરેલા પૈસા રાખશું ?”

“ચોરેલા ?”

"હા, ચોરેલા. આતમશક્તિથી મેળવ્યા વગરના એટલે જ ચોરેલા.”

“હવે તો આ તૂત છોડો !”

“હવે છોડું ? કાંઠે આવીને ડૂબું ? તો તો ઘેર બેઠાં સીધાં ક્યાં નો'તાં આવતાં, તે આજ આ ગરીબ મુસલમાનની રૂપિયા દસની નોટ રાખું !”

“રાખવી છે ક્યાં ? પછી આપી દેશું.”

“ના ! ના ! ના !” ડોસાએ દાઝે બળતો નકાર ઉચ્ચાર્યો. એ અરધા બેઠા થઈ ગયા. ઉગ્ર બનેલા સ્વરે એને ખાંસી ખવરાવી. તોફાની સાગરના. લોઢ વહાણને ઊંચે ઉપાડીને પાછું નીચે પછાડે તેવી રીતે ઉધરસના એક ઠસકાએ વૃદ્ધને પથારીમાં પટકી નાખ્યો.

"ને એને કહી દેજો,” ડોસાએ તૂટતી છાતીએ બેઉ હાથ દાબતે દાબતે ઓસમાન પર સંદેશો મોકલ્યો કે, “મારી લાજનાં લૂગડાં જો આમ ઉતરાવવાં હોય તો હવેથી ભલો થઈને મારે ઉંબરે ચડીશ મા.”

ડોસીએ સાડલાનો ટૂંકો છેડો આંખો સુધી ખેંચ્યો. દમભર્યા ડોસાના કરચલિયાળા કપાળ પર ઊનો એક છાંટો પડયો. ડોસાએ પત્ની તરફ જોયું. સાઠ વર્ષની વૃદ્ધા પાસે નહોતાં વધુ પાણી, નહોતો વધુ અવાજ.