પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રીપતરામ માસ્તર
13
 

હતી. એટલું જ નહીં પણ મહેરબાનો, આ મારો વિદ્યાર્થી જુઓ. એની સ્લેટના જખમનો ડાઘ હજુ મારા લમણા ઉપર છે', એમ પોતે પુકારી ઊઠ્યા હતા; ને એમને કોઈ બોલતા રોકે તે પૂર્વે તો પેલા વિમાન-વીરના માથા પર બેઉ હાથ મૂકી આશીર્વચનનો પોતે જ રચી રાખેલો એક દોહરો પોતે લલકારી મૂક્યો હતો. લલકાર કરતાં એના બોખા મોંમાંથી થૂંકના છાંટા ઊડ્યા હતા ને એની ઊંડી ગયેલી આંખોમાંથી દડદડ આંસુ વહ્યાં હતાં.

ઘેર જઈ એમણે નિરંજનનાં બા પાસે બે કલાક સુધી ગર્વ કર્યો હતો કે "સાંભળ્યું ને ! નગરશેઠના હાથનો હાર તો ઠઠ્યો રહ્યો. આપણો હાર પહેલો પડ્યો. સહુ ફાટતે ડાચે જોઈ રહ્યા ! ન જોઈ રહે ! હું કોઈનો ગાંજ્યો જાઉં તેમ નથી. નિશાળિયો કોનો? મારો – મારો. આ જોઈ લો, મારા ડાબા લમણા ઉપર હજુ તો નિશાની છેઃ રૂપિયા જેવડું ચગદું પડી રહ્યું છે, જોઈ લો.”

એ લમણા પરનું ચગદું એ જ શ્રીપતરામ માસ્તરના તમામ રૂપિયાનો અવશેષ હતો, અથવા એમ કહો કે સરવાળો હતો. પણ નિરંજનની કૉલેજ-ફી માટે એ ચગદું કંઈ વટાવી શકાતું નથી; એ ચગદું ભલેને જીવનનાં સાચાં મૂલ મૂલવ્યે રાજા જ્યોર્જના તાજના કોહિનૂર જેટલું મૂલ્યવંતું હોય – ને શ્રીપતરામભાઈ મનમાં મનમાં એવું માનતાય ખરા – છતાં શહેનશાહના તાજના હીરા વચ્ચે તથા માસ્તરસાહેબના લમણા પર એક રઝળુ નિશાળિયાએ મારેલી સ્લેટના જખમની ચગદી વચ્ચે એક સમાનતા તો અવશ્ય રહેલી હતી. બેમાંથી એકેયને વટાવી શકાય તેમ નહોતું. શહેનશાહજાદાની કે નિરંજનની એકાદી ચોપડી પણ એ બેમાંથી ખરીદાય તેમ નહોતું.

આમ છતાં કાઠિયાવાડની બંને કૉલેજો છોડીને મુંબઈ જેટલે દૂર અને ખર્ચાળ સ્થળે આવવાનું કારણ એ હતું કે નિરંજન પહેલા દરજ્જાનો પ્રતિભાશાળી વિદ્યાર્થી હતો ને એ પ્રતિભાને પૂરું મેદાન મળે એવો માસ્તરસાહેબનો આગ્રહ હતો. “તું તારે ઉપડ, હું ચાહે તે ભોગે તને