પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભૂલો પડેલો!
15
 


આટલું બસ નહોતું. રસોડામાંથી રસોઇયાએ પણ બહાર આવી, કોઠારની ચાવી ફગાવી, કપડાં બદલવા માંડ્યાં. એ કહે કે, “હું શું ઘીના લોંદા ખાઈ જાઉં છું? હું શું શાકવાળાની જોડે મારો છૂપો ભાગ રાખું છું? મને શું ચોર ધારો છો? સાહેબ, તમે શેઠિયાઓના પુત્રો ઊઠીને મારા જેવા ગરીબ આદમીની આબરૂ લેવા બેઠા છો?” વગેરે વગેરે.

ઘાટીઓ પણ બહાર ઊભા ઊભા રત્નાગિરિ જિલ્લાની મરાઠી ભાષામાં કશુંક ગરમાગરમ બબડી ઊઠ્યા. પરિણામ એ આવ્યું કે વળતા જ મહિનાથી નિરંજને એ ક્લબ છોડી. બીજી કોઈ ક્લબે એવી લપને સંઘરવા આનાકાની બતાવી. એક ક્લબના ભટે જ નિરંજનને સંભળાવી દીધું કે, “મિસ્તર, તમે ભૂલા પડ્યા લાગો છો. ભાવનગર જાઓ, ભાવનગર !”

અરધી અરધી રાત્રીઓ સુધી હોસ્ટેલની ઓરડીઓમાં સિગારેટો સળગતી રહી, ને કવિતાની ચોપડીઓનાં પૂંઠાં ઉપર સિગારેટની રાખના થર પર થર ચડતા રહ્યા. મધરાતના વાર્તાલાપનો વિષય તો બચ્ચો નિરંજન જ હતોઃ “આ કાઠિયાવાડીએ આપણી રહેણીકરણી પર આડકતરો આક્ષેપ નાખ્યો છે. આટઆટલી મગજમારી કરતા કરતા મહિને ચાર વાર મિષ્ટાન્ન ખાઈએ, કે પાંચ તોલા ઘી પૂરીઓ વાટે પેટમાં નાખીએ, તેમાં શાની ઉડાઉગીરી આવી ગઈ ભલા? આપણે ક્યાં થાળીમાં ઘીના રેલા ચલાવીએ છીએ?”

ક્લબનો સેક્રેટરી સોશિયાલિસ્ટ (સમાજવાદી) હતો. તેણે પણ પોતાની વિદ્યા વડે સમર્થન કર્યું કે, “જીવનને 'ડીસન્ટ સ્ટેન્ડર્ડ' (શિષ્ટ ધોરણ) તો હોવું જ જોઈએ ને 'ક્લાસ બેઈઝ્ડ સોસાયટી' (વર્ગપદ્ધતિ પર રચાયેલી સમાજવ્યવસ્થા)માં બીજું શું થઈ શકે?”

ઉપરાંત નિરંજન જૂના જમાનાનાં બ્રાહ્મણ માતપિતાનો ઉછેર પામેલો, એટલે, કંઈક સુગાળવો પણ વધુ પડતો હતો. પોતાનો સહવાસી છાત્ર (રૂમ-કમ્પેનિયન) સિગારેટનાં ખોખાં ચોપડીઓ પર ખંખેરે; ચાની તપેલીને માંજ્યા વિના કેવળ ધોઈને જ રોજ વાપરે: રકાબીમાંથી કપ