પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૩૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
20
નિરંજન
 


તે દિવસે પિતાની વાત સાંભળીને નિરંજન રોષે ભરાયો હતો. બીજા જુવાનો રોષિત બને ત્યારે ત્રાડો પાડે તેથી ઊલટી રીતે નિરંજનના રોષે એનો અવાજ ધીમો પાડેલો ને એના શબ્દો પર ભારણ મૂકેલું. એણે કહેલું તે યાદ આવ્યું: “પણ રેવાને પરણાવવાની જ શી જરૂર છે? એને ભણાવીગણાવી સ્વાવલંવી બનાવવાને બદલે..” પછી એ બોલી શક્યો નહોતો.

જવાબમાં પિતાએ, ભણેલા પુત્રની સમીપ એક ઓછા ભણેલા અને જુનવાણી વિચારના આદમી તરીકે, શરમિંદા બનતાં કહેલું: “હું ને તારી બા એ તારા વિચારો પર ઘણી વાર વાતો કરીએ છીએ; એ વિચારો અમારે ગળે પણ ઊતરે છે, ભાઈ; પણ-પણ-પણ છાતી ચાલતી નથી, ભાઈ ! જૂના સંસ્કાર, કુટુંબીજનોનો જ સહવાસ, આર્થિક આધાર પણ આપણા બ્રાહ્મણ તરીકેના કામ ઉપર, એટલે નવું સમજવા છતાં જિગર ન ચાલે, ભાઈ ! ખેર.”

નિરંજન તે દિવસે પરાસ્ત બનેલો. આ કરતાં પિતા એની સાથે કજિયો કરી, એને એના દોઢડહાપણ માટે ધમકાવી કાઢત તો એનું યુવાન હૃદય બંડ જગાવી શકત. પણ પિતાએ તો જુદું જ વર્તન કરીને પુત્રનાં હથિયારો જ જાણે કે આંચકી લીધાં હતાં.

એમ અસહાય રેવાનું ને પિતાનું ચિત્ર યાદ આવ્યું. પિતાનો 'ખેર' શબ્દ સાંભર્યો. યંત્ર જેવો નિરંજન દીવાનસાહેબને મળવા જવા તૈયાર થયો.


5
દાદર પર

બાપાએ લખી મોકલેલ ઠેકાણું શોધતાં નિરંજનને લાંબો સમય લાગ્યો. કોઈ રસ્તે ચાલનારાની મદદથી જ્યારે મકાન જડ્યું, ત્યારે નિરંજનથી