પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૩૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
24
નિરંજન
 

લગ્નસંબંધ થાય – ત્યારે એક ઉજાણી આપો, ને બીજું તમારી જુગલજોડલીના જોડાણમાંથી – કોઈ વિચિત્ર રસનું રસાયન ન થઈ બેસે – તેટલા પૂરતા સાવધ રહો!”

ઉપરના વાક્યમાં અમે જે ચિહ્નો કર્યા છે, તે વિરામચિહ્નો નથી, પણ સેક્રેટરીની આંગળીના, નિરંજનની છાતીમાં જે ગોદા વાગ્યા તેની નિશાનીઓ છે.

“ફરી કહો જોઉં?” નિરંજનનું ઝનૂન આથી આગળ ન ચાલ્યું.

"ફરી? – ફરી કહું?” સેક્રેટરીએ નિરંજનનો ડાબો હાથ પકડીને પોતાનાં બે આંગળાંનાં ટેરવાં વચ્ચે મસળ્યો: “ફરી કહું છું કે, સુનીલાની પછવાડે જવું છોડી દેજે; સુનીલા મારી છે, સમજ્યો?”

નિરંજનના કાનને એણે આંગળાં વડે વળ ચડાવ્યો.

ત્રીજા માળથી પડતા માણસને જો એક ખીટી પણ હાથમાં આવી ગઈ, તો તો એ બચ્યો; નહીં તો એનો નાશ થાય છે. નિરંજન તે ક્ષણે જીવનની ટોચથી લસર્યો હતો. એક ક્ષણ જો વીતી જાત તો તો એનો પત્તો ન લાગત. પણ એના માર્ગમાં આધાર મળ્યો. એણે પોતાનો હાથ ઉપાડ્યો, વિરોધીના શરીર પર ચલાવ્યો. વિરોધી એના હાથને તરછોડી ફેંકી નાખે અથવા પકડીને મરડી નાખે તે પહેલાં તો નિરંજનના હાથમાં વિરોધીના કોટનો કોલર આવી ગયો. કોલર પર એ હાથે મડાગાંઠ વાળી.

“લે લે લે!” એમ બોલતો વિરોધી નિરંજનના માથાની, ગરદનની, છાતીની, પેટની, કમરની, તમામની પોતાના મુક્કા વડે ખબર લેવા લાગ્યો. પણ નિરંજનના હાથની મડાગાંઠ એના કોલર પરથી ન છૂટી. ફક્ત કોલર, ફક્ત કપડું જ એ હાથમાં હતું. એ હાથ પ્રતિસ્પર્ધીને કશી જ ઈજા ન કરી શક્યો. પ્રતિસ્પર્ધીએ તો નિરંજનને મારી મારી ખોખરો કરી નાખ્યો. છતાં નિરંજનના હૃદયમાં શારીરિક વિજયની પહેલી ભાવના પ્રગટ થઈ ચૂકી. 'જે જે' કરવા ટેવાયેલા હાથે આજે નવું કશુંક કરી દેખાડ્યું.

ઉપરથી દાદરનાં પગથિયાંએ કોઈકના ઊતરવાનો અવાજ દીધો.