પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
28
નિરંજન
 

ભાંગેલી છત્રીના સળિયા સીવતી હતી. તેણે ઊંચે જોઈ કહ્યું: “કશો જ ખુલાસો કરવા આવવાની જરૂર નહોતી.”

નિરંજને જવાબ દેવાની ઝડપ કરી; પણ ઉતાવળો બે વાર પાછો ફરે છે. ઝડપ કરવા ન ટેવાયેલી જીભે લોચા વાળ્યાઃ “ખુલાસો? – ના–પણ—મારું-મારે તો દેવકીગઢના દીવાનસાહેબનું કામ હતું. હું ઘર ભૂલ્યો છું, ક્ષમા કરશો !”

“ઓહો ! એમ છે? રહો, રહો, ત્યારે તો તમે ઘર ભૂલ્યા નથી. તમે શોધો છો તે અહીં જ છે.”

આવાં વાક્યો સાંભળવા નિરંજન ટેવાયો નહોતો. એનું ભેજું સાહિત્યથી ભરેલું હતું. કયા કાવ્યમાં કે નાટકમાં આ માર્મિક પંક્તિઓ આવે છે? – યાદ કરવા લાગ્યો. સુનીલાએ ઊઠીને કહ્યું: “અહીં બેસો. હું દીવાનસાહેબને ખબર અપાવું છું.”

પોતે જે રવેશમાં બેઠો, તેની અડોઅડ પહેલી જ એક નાની ઓરડી હતી. નિરંજનની નજર એ ઓરડીમાં રમવા ચાલી. એક લાકડાની પાટ ઉપર શ્વેત-જાંબલી પટાવાળી શેતરંજી બિછાવી હતી. એક ઓશીકું હતું. નિરંજન નજીક ગયો હોત તો જોઈ શકત કે તે ઓશીકા પર અક્ષરો પાડીને ગૂંથણી કરેલી હતી. શબ્દ-ગૂંથણ ગુજરાતી વાક્યનું હતું. વાક્ય વિચિત્ર હતું: “નથી જોતાં સ્વપ્નો.” શિખરિણી વૃત્તનું પ્રથમ ચરણ ! પણ ત્યાં સુધી નિરંજનની આંખો ન પહોંચી શકી.

ઓરડીમાં એક જ છબી હતી. નાના કબાટમાં ચોપડીઓ હતી. બત્તીનો કાચ-ગોળો ઘેરા આસમાની રંગનો હતો. ખીંટિયાળા પર સ્ત્રીનાં બે જોડ કપડાં વ્યવસ્થિત મૂકેલાં ઝૂલતાં હતાં. ખૂણામાં નાની માટલી હતી. એના બુઝારા (ઢાંકણ) પર એક પ્યાલો ચકચકતો હતો. એટલું જોયું ત્યાં તો સુનીલા પાછી આવી. એણે નિરંજનને અંદર જવા કહ્યું. નિરંજન ઊઠ્યો એટલે વધુ કશું જ બોલ્યા વગર એ પાછી પોતાને સ્થાને બેસીને છત્રીના સળિયા ટાંકવા લાગી ગઈ. એક વાર એની કૌતુકે લોભાયેલી દ્રષ્ટિ નિરંજન ગયો તેની પછવાડે પછવાડે દોડી;