પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૪૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
32
નિરંજન
 


નિરંજન દીવાનસાહેબની આ રસિકતા વિશે અજ્ઞાત જ રહી ગયો. એણે તો દૂરથી આ સૂચનાની છાયા સુનીલાના મોં પરના આછા મલકાટમાં નિહાળી.

“આ સુનીલાબહેન," દીવાન નિરંજનને ઓળખાણ આપવા લાગ્યા, “મારા એક સ્વર્ગસ્થ મિત્રની દીકરી છે. એ પણ કૉલેજમાં ભણે છે. બ્રિલિયંટ કેરિયર (ભણવામાં તેજ) છે.”

“હું જાણું છું.” નિરંજનને સુનીલાના ‘બ્રિલિયંટ' તમાચા ખાધે હજુ બે જ દિવસો વીત્યા હતા. એટલે એ તમાચાની લાલી હજુ તાજી હતી.

"એના બાપ અને હું બેઉ લંગોટિયા મિત્રો. કૉલેજમાં પણ અમે અહીં સાથે જ હતા. એ એમ. એ. પાસ કરી પ્રોફેસર થયા, ને મેં 'લૉ' લઈ દેવકીગઢની ન્યાયાધીશી સ્વીકારી.”

સુનીલા એક પ્રોફેસરની પુત્રી છે એ વાતની જાણ થયા પછી નિરંજનના હૃદયમાં છૂપા એક આનંદનો ઝરો ફૂટ્યો. ને દીવાનસાહેબે કૉલેજનું છેક એલ.એલ.બી. સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે તે વાતમાં જરીકે નવાઈ પામવા જેવું ન હોવા છતાં, તે વાત તો રોજિંદા બનાવ જેવી હોવા છતાં, કોણ જાણે કેમ પણ નિરંજનને વિસ્મય થયું.

વિદ્યાપીઠ-વિદ્યાનું ધાવણ ધાવેલો માનવી એક નાના-શા દેશી રજવાડાના રાજપ્રપંચમાં પડી શકે ખરો? ત્રાસ ન પોકારી ઊઠે? એની કલ્પનામૂર્તિઓનો ને ભાવનામૂર્તિઓનો છૂંદો ન બોલી જાય?

કેટલી મોટી ભૂલ ! વળતી જ ક્ષણે એને ભાન થયું. પેલો સેક્રેટરી જ શું કોઈ માતબર રજવાડાના ભાવી કારભારીની તાલીમ નથી લઈ રહ્યો? એકાદ લાખ પ્રજાજનોના કિસ્મતની આવતી કાલ શું આ જુવાન સેક્રેટરીનાં જરેલાં કપડાંમાં નથી ડોકાઈ રહી?

જરેલાં કપડાં: જૂનો ડગલો: ડગલાનો કોલર: ને કોલરથી ગરદન કેટલી નજીક ! – વીજળીના સપાટાને વેગે એક હિંસક વિચાર એના મગજની આરપાર નીકળી ગયો. દીવાન ખીલ્યા: