પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૭૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્નેહની સાંકળી
63
 

પહેરીને બેઠેલ એક જુવાન પોતાની નિરાળી ઢબના જ લહેકા કરતો બોલ્યો: “જુવાન ભાઈઓ, મને તો કંઈક એમ સૂઝી રહ્યું છે, કે આ બધી સરકારની શાળાઓ તો ગુલામો પેદા કરવાનાં કારખાનાં છે.”

"એ તો,” નિરંજને પેલો ન દુભાય તેવી રીતે કહ્યું, “જૂની થઈ ગયેલી દલીલ છે. ને એ દલીલની સામે જવાબ દેતું, ચરખા કાંતનારાઓ પેદા કરનારી ગૂજરાત વિદ્યાપીઠનું સૂનું મકાન સાબરમતીને તીરે ઊભું છે. માત્ર પથ્થરો બદલવાથી કંઈ ગુલામોની ઉત્પત્તિ નહીં અટકે. 'सा विद्या या विमुक्तये'નું સૂત્ર માત્ર રાજકારણી અર્થમાં જ ઘટાવી દેવાયું. મુક્તિનો જીવનવ્યાપી અને વિશાળ અર્થધ્વનિ તકલીના ગુંજારવમાં રૂંધાઈ ગયો. સરકારી વિદ્યાપીઠોમાંથી પેદા થતી ચાબાઈને પણ વટાવી જાય તેવી નવી ચાબાઈ, ‘સ્નૉબરી' નવાં વિદ્યાપીઠોએ પણ નિપજાવી છે; સાદાઈનો પણ આડંબર થયો છે. ફલાહારનો વૈભવ અન્નાહારના વૈભવથી જરીકે ઊતરતો નથી.”

બધાની આંખો પેલા મગફળી, ખજૂર અને બદામનાં બીજ પર રહેવાના પ્રયોગો કરતા જુવાન તરફ ગઈ. સહુને નિરંજનની આ વાર્તાસરણીમાં રસ પડતો ગયો. નિરંજને વાતને સમેટવા માટે એક છેલ્લું વાક્ય ગોઠવ્યું: “ફેડ, સ્નોબરી, સ્લેવરી, ફલીપન્સી (ધૂન, ચાબાઈ, ગુલામી, આછલકાઈ) વગેરે જે જે વાતો અહીં પડી છે તે બધી જ વાતો ત્યાં પણ પેસેલી છે. ફેર ફક્ત પોશાકમાં જ છે.”

"ને તમને અહીં જે અનુભવ ગુજરાતીના પ્રોફેસરનો થયો એનું શું?” કોઈકે હિંમત કરી.

“તેનું કશું નહીં. અહીંનો પ્રોફેસર ડરકુ અને ખુશામદિયો બને છે, તો ત્યાંનો અધ્યાપક પણ નવી રીતે એની એ જ મનોદશાનો જંતુ બન્યો હતો. ચાલતી પરીક્ષાએ વિદ્યાર્થીને ખાદીનું કપડું પહેરવાની ફરજ પાડનારાઓ હતા. એ બે કલાકના પોશાકમાં અકસ્માત રહી ગયેલું મિલનું ધોતિયું જે ફફડાટનું કારણ બનતું, તે ફફડાટ મારી વાર્તાથી ડરેલા પ્રોફેસરના ફફડાટથી જરીકે જુદો મને નથી લાગતો.”